— પોલીસ તો પોલીસનો કામ કરે છે પણ લારીઓ વાડા બે ફામ બન્યા છે
— દબાણકર્તાઓને પોલીસનો ડર રહ્યો નથી
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા શહેરમાં અનેક વિસ્તારોમાં દોડધામ કરતાં હળવા-ભારે વાહનો અને આડેધડ ગોઠવાઈ જતાં લારીવાળાઓના ગેરકાયદે દબાણોના લીધે સર્જાતાં ટ્રાફિક ચક્કાજામની સમસ્યા નગરજનો માટે માથાના દુખાવા સમાન બની છે. નગરપાલિકા અને પોલીસ તંત્ર લારીઓને ખદેડી મુકી દીધાના થોડાક સમયમાં જ લારી, ખુમચા, પાથરણાવાળા ઠેરનાઠેર ગોઠવાઈ જતાં હોય છે. અહીંના ફુવારા ચોક વિસ્તારમાં આજે પોલીસે લારીવાળાઓને હાંકી કાઢ્યાં હતા. જો કે, પોલીસ હટી જવાની સાથે લારીવાળાઓ ફરીથી ઠેરનાઠેર ગોઠવાઈ ગયા હતા.
મહેસાણા શહેરના નવા-જૂના મહેસાણા એસ.ટી.ડેપો, નાગલપુર-પાલાવાસણા સર્કલ, તોરણવાળી માતા ચોક, ફુવારાચોક, ગોપીનાળા, ભમ્મરિયા નાળા, મોઢેરા ચોકડી, રાધનપુર સર્કલ, દૂધસાગર ડેરી રોડ, રાધનપુર રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે, પાંચોટ રોડ, રામોસણા બ્રિજ નજીક ટ્રાફિક ચક્કાજામની સમસ્યા દરરોજ સર્જાતી રહે છે. અહીં શટલિયા ગાડીવાળાઓ અડીંગો જમાવીને ગોઠવાઈ જતાં હોય છે. રાધનપુર સર્કલ પાસે એસ.ટી.સ્ટેન્ડ જોવા મળતું નથી. ખાનગી ગાડીવાળાઓ આડેધડ વાહનો પાર્ક કરતાં હોય છે. મુસાફરોને બુમો પાડીને ઢસડી જતાં હોય છે. જેના લીધે સરકારની એસ.ટી.બસોની આવકને ફટકો પડે છે.
ગઈકાલે ગુરુવારે શહેરના તોરણવાળી માતા ચોક વિસ્તારમાં શાકભાજીની લારીવાળાઓને પોલીસ અને નગરપાલિકાએ ખદેડી મુકી હતી. જેમાં લારીઓને પોલીસે અને નગરપાલિકાના દબાણખાતાના અધિકારીઓએ ઊંધી પાડી દીધાનો ભારે હોબાળો મચ્યો હતો. દરમિયાનમાં આજે શુક્રવારે શહેરના ફુવારાચોક વિસ્તારમાં ઉભેલી શાકભાજી, ફળ-ફળાદિની લારીઓને પોલીસે હટાવી દઈને ટ્રાફિક હળવો કર્યો હતો. અહીંનો રસ્તો ખુલ્લો થતાં વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહી હતી. જો કે, પોલીસની ધાક જ ના રહી હોય અને બુઠ્ઠી તલવાર બની ગઈ હોય તેમ થોડીવારમાં જ લારીવાળાઓએ ફરીથી પોતાની મૂળ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના દબાણશાખાના બાબુઓ દબાણો ખસેડવામાં આરંભે શુરવીર બની નીકળી પડતાં હોય છે અને પછીથી કોઈકનુ દબાણ આવતાં દબાણ શાખાના કર્મચારીઓ ઢીલાઢફ બની દબાણ ખદેડવાની કામગીરીને આટોપી લેતાં હોય છે. મહેસાણા શહેરના લોકોને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગણી શહેરીજનોએ દોહરાવી છે. જો કે, મગરની ચામડી ધરાવતાં પાોલિકા અને પોલીસ તંત્રના સત્તાવાહકો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનો કકળાટ લોકોમાંથી છાસવારે ઊઠતો રહ્યો હતો.