જિલ્લામાં 132 બાળકોએ પિતા, 26એ માતા અને એક બાળકીએ માતા-પિતા બંને ખોયાં
મેઉનાં 10 અને દેદિયાસણ શાળાનાં 8 બાળકોએ માતા કે પિતા ગુમાવ્યાં
ગરવી તાકત મહેસાણા:-કોરોનાએ અનેક પરિવારોની ખુશી છિનવી લીધી છે. હસતા ખીલતા આવા પરિવારો માટે હવે જિંદગીમાં ન ભૂલી શકાય એવી માત્ર દુ:ખદ યાદો જ બચી છે. કેટલાક એવાં બાળકો પણ છે જેમના માથેથી પિતાની છત્રછાયા કે માતાનો ખોળો છિનવાઇ ગયો છે. તો એવાં કમનસીબ બાળકો પણ છે જેમણે માતા અને પિતા બંનેનો પ્રેમ ગુમાવ્યો છે. આવાં બાળકોનો ક્યાંક મામા-મામી, કાકા-કાકી તો ક્યાંક નાના-નાની અને દાદા-દાદી પાલક માતા-પિતા બની ઉછેર કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, કોરોનાકાળમાં પ્રાથમિક શાળામાં ભણતાં 158 બાળકોએ માતા કે પિતા ગુમાવ્યાં છે. જેમાં 127 બાળકોએ પરિવારનો આધારસ્તંભ સમાન પિતા, જ્યારે 26ની માતાની હૂંફ કોરોનાએ છિનવી છે. વિસનગરના રાલીસણા મગનપુરા ગામના એક બાળકે 5 વર્ષ પહેલાં માતા અને આ વર્ષે કોરોનામાં પિતા ગુમાવ્યા છે. મેઉમાં ધો.7માં ભણતી દીકરીનાં માતા-પિતા બંનેનાં કોરોનામાં અવસાન થયાં છે. જિલ્લામાં સૌથી વધુ મહેસાણા તાલુકાના મેઉ ગામની શાળાનાં 10 બાળકો અને દેદિયાસણ શાળાનાં 8 બાળકોએ કોરોનામાં માતા કે પિતા ગુમાવ્યાં છે.