અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બાયડ તાલુકાના ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં ૧૨ કલાકના ટૂંકા ગાળામાં ટપોટપ મોત નીપજતાં બાયડ તાલુકામાં કોરોનાના મોતના તાંડવથી લોકો રીતસરનાં ફફડી ઉઠ્યાં છે.

બીજી બાજુ મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર લઈ રહેલા ૬૭ વર્ષીય મહિલાનું મોત નિપજતાં અરવલ્લી જિલ્લામાં ૩૩ લોકોને કોરોના ભરખી જતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ત્રણ વધુ કોરોનાના દર્દીઓ નોંધાતાં પોઝેટીવ દર્દીઓની સંખ્યા ૨૭૧ પહોંચી છે.

બાયડ તાલુકાના ગાબટ ગામના તબીબ અને બાયડ શહેરમાં હોસ્પિટલ ધરાવતા એક સિનિયર ડોક્ટરનાં પત્નીનું અમદાવાદમાં સારવાર દરમિયાન કોરોનાથી મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. જ્યારે આંબલીયારા ગામના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં ૧૨ કલાકના ટુંકા ગાળામાં બાયડ પંથકના ત્રણ લોકોને કોરોના ભરખી જતા પંથકમાં ફફડાટ ફેલાયો છે.

મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર લઈ રહેલાં ૬૭ વર્ષીય મહિલાનું મોત નિપજતાં આરોગ્ય તંત્રે તકેદારીના ભાગરૂપે મહિલાની અંતિમક્રિયા કોવીડ-૧૯ ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

હવે તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવતાં સ્થાનિક તબીબો ચિંતામાં મૂકાયા છે. સોમવારે જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં ધનસુરા તાલુકાના રમોસ ગામે ૨૫ વર્ષિય યુવક, મોડાસાના ભાગોળ વિસ્તારમાં ૪૦ વર્ષિય પુરુષ અને શરીફકોટ વિસ્તારમાં ૬૧ વર્ષિય પુરુષને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જિલ્લામાં કુલ કેસ ૨૭૧ થયા છે.

સતત વધી રહેલ કોરોનાથી મોતને પગલે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.

ફક્ત મોડાસા શહેરમાં જ કોરોનાના પગલે મોતનો આંક ૨૪ થઈ ગયો છે. શહેરમાં કોરોના સામે વેપારીઓ અને લોકોની બેદરકારી પણ એટલી જ જવાબદાર હોવાનું જાગૃત નાગરિકો માની રહ્યા છે. શહેરમાં ધંધા-રોજગારના સ્થળોએ સોશીયલ ડીસ્ટન્સનો અભાવ અને દંડથી બચવા પહેરાતું માસ્ક આવનારા સમયમાં કોરોનાના જોખમી સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે.