50 ડોલરની 46 લાખ નોટ પર ખોટો સ્પૅલિંગ, બિલોરી કાચથી છ મહિને ભૂલ પકડાઈ રિઝર્વ બૅંક ઑફ ઑસ્ટ્રેલિયાએ લાખોની સંખ્યામાં પીળા રંગની 50 ઑસ્ટ્રેલિયન ડૉલરની નોટ છાપી છે જેમાં ‘રિસ્પોન્સિબિલિટી’ના સ્પેલિંગમાં ભૂલ થઈ છે. તેમાં રિસ્પોન્સિબિલિટીને બદલે ‘રિસ્પોન્સિબ્લિટી’ લખાયું છે, આમ એક ‘I’ ઓછો લખાયો છે. આરબીએ દ્વારા ગુરુવારે આ ભૂલ કબૂલ કરવામાં આવી અને ખાતરી આપવામાં આવી હતી કે, ભવિષ્યમાં જે નોટ છપાશે તેમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે. પરંતુ હાલ આ ભૂલ વાળી લગભગ 46 લાખ નોટ સમગ્ર દેશમાં વ્યવહારમાં ચાલે છે.ગયા વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયાની સંસદના પ્રથમ મહિલા સાંસદ એડિથ કોવાનના ચહેરા વાળી નોટ માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ નોટ પર સુશ્રી કોવાનના ચહેરા પાછળ જે લખાણ છે તે તેમના સંસદમા પ્રથમ ભાષણનો અંશ છે. આ લખાણ સમગ્ર નોટ પર સુક્ષ્‍મ અક્ષરોમાં વારંવાર લખાયેલું છે, “અહીં એક માત્ર મહિલા હોવું એ મોટી જવાબદારી છે તેથી હું અહીં અન્ય મહિલાઓની હાજરી હોવા પર ભાર આપવા માગુ છું.” પણ દુઃખની વાત છે કે, આ દરેક લખાણમાં ‘રિસ્પોન્સિબિલિટી’માંથી એક આઈ ગાયબ છે. બિલોરી કાચ વડે આ ભૂલ શોધતાં અને ધ્યાનમાં આવતા છ મહિના લાગી ગયા છે. ઑસ્ટ્રેલિયામાં 50 ડૉલરની નોટ ચલણમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને મશીનમાંથી સૌથી વધુ સંખ્યામાં નીકળતી નોટ છે. આ નોટની બીજી બાજુએ જાણીતા લેખક ડેવિડ યૂનેપોનનો ચહેરો છાપવામાં આવેલો છે. ઓક્ટોબર મહિનામાં ચલણમાં આવેલી નવી નોટોની ડિઝાઇનમાં સુરક્ષા અને નકલી નોટોનો પ્રસાર રોકવા કેટલીક બાબતો ઉમેરવામાં આવી હતી. હાલ આ ભૂલવાળી નોટ જ ચલણમાં છે અને તે સ્વીકારવામાં આવે છે.

Contribute Your Support by Sharing this News: