રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે 7 વાગ્યા બાદ 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા 12 ઇંચ વરસાદ અને દ્વારકામાં 9 ઈંચ વરસાદ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

દ્વારકામાં વરસાદે વિરામ લીધો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. છેલ્લા બે કલાકથી કોઈ પણ તાલુકામાં વરસાદના સમાચાર નથી આવ્યા. 

અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૂ થયા છે. મેઘરાજાએ વિરામ લેતા રાવલ પંથકમાં પણ પાણી ઓસરવાના શરૂ થયા છે. જો મેઘરાજા ખમૈયા કરે તો ફરી જન જીવન ધબકતું થશે. પરંતુ જિલ્લામાં સૂસવાટા મારતા પવનની માત્રા યથાવત છે.

અરવલ્લીમાં પ્રથમ વરસાદમાં જિલ્લાના હાઇવે રસ્તાઓ તૂટ્યા છે. માલપુર ચાર રસ્તા ઉપર રોડમાં એક એક ફૂટના ખાડા પડ્યા છે. ગોધરા તરફ જતા આ મુખ્ય રસ્તામાં ખાડા પાડતા વાહન ચાલકો પરેશાન થયા છે. રોડમાં પડેલા ખાડાથી અકસ્માત થવાની ભીતિથી વાહન ચાલકોમાં ડર વ્યાપી ગયો છે. એલએન્ડટી દ્વારા થોડા સમય અગાઉ જ રીપેરિંગ કરાયું હતું. પરંતુ પ્રથમ વરસાદમાં રોડ તૂટતા માલપુરના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

ઘાતરવડી-1 ડેમ થયો ઓવરફ્લો

અમરેલીમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો જીવાદોરી સમો ઘાતરવડી-1 ડેમ ઓવરફ્લો થયો છે.

ડેમ ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીરના વધામણાં કરવામા આવ્યા હતા. રાજુલાના અગ્રણી રવુભાઈ ખુમાણ દ્વારા ઘાતરવડી ડેમમાં ચુંદડી, ચોખા, ફૂલ અને નાળિયેર પધરાવવામાં આવ્યું છે. આસપાસના 20 ગામોને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છવાઈ છે.

Contribute Your Support by Sharing this News: