નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમીક્રી કરાતા તૃણમુલ કોંગ્રેસના સાંસદના કૃત્ય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેને ફોન કરીને ખૂબજ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
શ્રી મોદીએ ફોન કરીને કહ્યું કે હું 20 વર્ષથી આ પ્રકારના અપમાન સહન કરી રહ્યો છું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પોષ્ટ કરીને આ માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાનનો ફોન આવ્યો હતો.
કેટલાક સાંસદોએ ગઈકાલે સંસદ પરિસરમાં જે ધૃણીત નોટંકી કરી તેના પર વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મને એ બતાવ્યું કે છેલ્લા 20 વર્ષથી હું આ પ્રકારના અપમાન સહન કરતો આવ્યો છું પણ એ વાસ્તવિકતા છે કે દેશના ઉપરાષ્ટ્રપતિપદ જેવા બંધારણીય પદ સાથે અને તે પણ સંસદમાં આ પ્રકારે થઈ શકે છે
તે ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. શ્રી ધનખડે વળતા જવાબમાં કહ્યું કે કેટલાક લોકોની હરકત મને રોકી શકશે નહી.
હું મારૂ કર્તવ્ય કરતો રહીશ અને હું દેશના બંધારણના સિદ્ધાંતોને કાયમ રાખી રહ્યા છે. હું મારા હૃદયના ઉંડાણથી એ મુલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું અને કોઈ અપમાન મારો માર્ગ બદલી શકશે નહી.