પાલનપુરમાં જિલ્લા ટ્રાફિક કચેરીની સામે જ ગેરકાયદેસર રીતે વાહનોનો અડીંગો જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય ટ્રાફિક નિયમન ભંગ બદલ વાહન ચાલકો અને કાયદાનો પાઠ ભણાવતી ટ્રાફિક પોલીસને આ વાહનો કેમ નથી દેખાતા તેવા પણ સવાલો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?
બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જવાબદારી જેમના શિરે સોંપવામાં આવેલી છે તે જિલ્લા ટ્રાફિક અને સીટી ટ્રાફિક પોલીસના નાક નીચે જ ગેરકાયદેસર રીતે વાહન ચાલકો ખડકલો જમાવી ઉભા રહેતા હોવા છતાં તેમની સામે કોઈ જ કાર્યવાહી ન થતાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાલનપુર જૂના આર.ટી.ઓ કે જ્યાં હાલમાં જિલ્લા ટ્રાફિક કચેરી કાર્યરત છે. તેની સામે ગેરકાયદેસર રીતે ઈકો ગાડીઓ અને અન્ય વાહન ચાલકો ગેરકાયદેસર રીતે અડીંગો જમાવીને ઉભા રહેતા હોય છે તેમ છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે બીજી તરફ સામાન્ય ટ્રાફિક નિયમન ભંગ બદલ પણ વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવી દંડ વસૂલવામાં આવતો હોય છે. ત્યારે શું શટલીયા ચાલકો સામે કાર્યવાહી ન કરવા પાછળ કેવી નીતિ જવાબદાર છે તે પણ યક્ષ પ્રશ્ન છે. આટલું જ નહીં ટ્રાફિક પોલીસને ખુદ જ નિયમોની જાણે ખબર ના હોય તેમ જિલ્લા ટ્રાફિક પોલીસ કચેરીના દરવાજાની આગળ જ “નો પાર્કિંગ” લખેલુ છે તેની આગળ જ ટી.આર.બી કર્મચારીઓના ટુ વ્હીલર અને અન્ય કર્મચારીઓના વાહનોનો ખડકલો જોવા મળતો હોય છે. ત્યારે શું ટ્રાફિક પોલીસને ટ્રાફિક સેન્સ નથી કે કેમ તેવા પણ સવાલો શહેરી જનોમાં ઉઠવા પામ્યા છે