રાજ્યના તમામ RTOને પરિપત્ર મોકલીને આ આદેશ અપાયો છે. સઘન તપાસ કરીને સાપ્તાહિક રિપોર્ટ આપવા સૂચના
વાહનોમાં બાળકોની સુરક્ષાની વ્યવસ્થા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. નિયમોના ભંગ બદલ વાહનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 01 – જો તમે તમારા બાળકને વાન કે રિક્ષામાં શાળાએ મોકલતા હોવ તો તમારે આ સમાચાર જાણવા ખુબ જરૂરી છે. રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સ્કૂલ વર્ધીના વાહનોના ચેકિંગના તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના તમામ RTOને પરિપત્ર મોકલીને આ આદેશ અપાયો છે. સઘન તપાસ કરીને સાપ્તાહિક રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે. વાહનોમાં બાળકોની સુરક્ષાની વ્યવસ્થા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. નિયમોના ભંગ બદલ વાહનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાશે.
વાહન વ્યવહાર વિભાગે શાળાના સંચાલકો, વાલીઓ અને વર્ધી સાથે જોડાયેલા લોકો માટે બહાર પાડેલા જાહેરનામા મુજબ જેમના બાળકો આ પ્રકારના વાહનોમાં શાળાએ જતા હોય તે વાલીઓ અને સાળા સંચાલકોએ અમુક બાબતો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. આ મુદ્દે દરેક આરટીઓ કાર્યાલયોએ શાળાઓ શરૂ થતાની સાથે જ શાળા બસ, રિક્ષા, વાન સહિતના વાહનોના ચેકિંગની કડક સૂચના આપવામાં આવી છે. સરકારે વાલીઓને અપીલ કરી છે કે વાહનમાં જો ક્ષમતાથી વધુ બાળકો હોય તો તરત જ આરટીઓ કે પોલીસને જાણ કરવી.
વર્ધી માટે વપરાતા વાહનો માટે સૂચનાઓ – જે વાહનો શાળાની વર્ધીઓ માટે વપરાશમાં લેવાતા હોય તેમના માટે કેટલીક સૂચનાઓ જાહેર કરાઈ છે જે મુજબ ફિટનેસ સર્ટિફિકેટ, લાઈસન્સ, વાહન વીમો, પીયુસી વગેરે સાથે રાખવા, નિર્ધારિત કેપેસિટી પ્રમાણે જ બાળકોને વાહનોમાં બેસાડવા. વાહન પર સ્કૂલ વર્ધી સ્પષ્ટ રીતે લખેલું હોવું જરૂરી છે. પ્રાથમિક સારવારનું બોક્સ હોવું જરૂરી છે. ફાયર સેફ્ટીના સાધન પણ હોવા જોઈએ. વર્ધી માટેના વાહનો પર માલિકનું નામ અને નંબર લખેલો હોવો જરૂરી છે. સીએનજી સિલિન્ડર પર સીટ રાખીને બાળકોને બેસાડવા નહીં.
વાહનના દરવાજા સારી ગુણવત્તાવાળા અને બરાબર બંધ થાય તે જરૂરી છે.વાહનની ઝડપ 20 કિમીથી વધુ હોવી જોઈએ નહીં. બાળકોના દફતરો બહારની બાજુ લટકાવી નહીં શકાય. ડ્રાઈવરની સીટ પર બાળકોને ન બેસાડવા. બસ કન્ડક્ટર પાસે બાળકોની વિગતો હોવી જરૂરી છે. વધુ વિગતોમાં ડ્રાઈવરને વર્ષમાં બેવાર તાલિમ આપવી જરૂરી છે. શાળા બસમાં જીપીએસ, સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે. દરેક બસમાં ઈમરજન્સી સ્થિતિ વખતે બહાર નીકળવા માટે દરવાજો હોવા જોઈએ.