મિસ્ટર. સી.આર.પાટીલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડો
મહેસાણા જિલ્લામાં મોટાભાગના તાલુકા અને શહેર પ્રમુખોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઇ હોવા છતાં ગિરીશ રાજગોર નવા પ્રમુખોની વરણી કરતાં નથી
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખના કારણે મહેસાણા પાલિકામાં કમિટીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ હોવા છતાં નવી કમિટીઓની રચના ઘોચમાં જે પ્રમુખની ઘોર નિષ્ક્રિયતાં છતી થઇ રહી છે
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – આગામી સમય 2024માં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાવાની તૈયારીઓ હોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સંગઠનની ટીમ લાગી ગઇ છે અને ચૂંટણીની રણનિતી અત્યારથી જ ઘડવામાં આવી રહી છે. પરંતુ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર બિલકુલ નિષ્ક્રિય થઇ ઘોર નિદ્રામાં પોઢી રહ્યાં હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. મહેસાણા જિલ્લામાં ભાજપના શેહર અને તાલુકા પ્રમુખોની અવધી એટલે કે ટર્મ 3 વર્ષની હોય છે.
ત્રણ વર્ષ બાદ શહેર તાલુકા પ્રમુખોની રીપીટ થીયરી અપનાવવામાં આવે છે અથવા તો નવા શહેર તાલુકા પ્રમુખોને વરણી કરવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા અને શહેર પ્રમુખોની 3 વર્ષની ટર્મ પૂર્ણ થઇ ગઇ છે. તેમ છતાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા મહેસાણા જિલ્લાના મોટા ભાગના શહેર અને તાલુકાના નવા પ્રમુખોની ન તો વરણી કરવામાં આવી છે ન તો રીપીટ થીયરી અપનાવીને તેઓને ફરીથી ત્રણ વર્ષ માટે પ્રમુખોની જવાબદારી સોંપવામાં આવી હોય તેવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી આ ઉપરથી સ્પષ્ટ પણ ફલિત થઇ રહ્યું છે કે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યાં છે.
એક તરફ લોકસભાની ગુજરાતની તમામે તમામ બેઠકો કબજે કરવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભાજપ સંગઠન એડીચોટીનું જોર લગાવી ભાજપના ગઢને વધુ મજબૂત કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે તો બીજી તરફ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ કયા વિચારોમાં કયા ખયાલોમાં ખોવાયેલા છે તે મુદ્દો મહેસાણા જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં નવા તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરી તેમને તક આપવામાં આવશે ખરી? કે પછી રીપીટ થીયરીનો સહારો લેવામાં આવશે તે વિષય મહેસાણા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યોં છે. પરંતુ આ ચર્ચાના વિષય વચ્ચે હવે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઘોર નિદ્રામાંથી ઝઘાડે તો મહેસાણા જિલ્લા ભાજપનું રાજકારણ નિષ્ક્રિયમાંથી સક્રિય થાય તેમ છે. નહી તો ગિરીશ રાજગોર મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનનું ધનોત પનોત કાઢી નાખશે તેમાં કોઇ બેમત નથી.
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરની આ નિષ્ક્રિયતા તો છતી થઇ રહી છે પરંતુ આટલેથી પણ તેમની નિષ્ક્રિયતા ઓછી પડતી હોઇ તેમ મહેસાણા નગરપાલિકાની કમિટીઓ પણ ઘોંચમાં પડી છે. મહેસાણા નગરપાલિકાની કમિટીઓની રચના કરવામાં પણ ગિરીશ રાજગોર કાચુ કાપી રહ્યાં છે. મહેસાણા નગરપાલિકાની પાલિકામાં કમિટીઓમાં જે અઢી વર્ષની મુદ્દેત હતી તે પણ પૂર્ણ થઇ ગઇ છે તેમ છતાં હજુ સુધી નવી કમિટીઓની રચના કરવામાં આવી નથી. ત્યારે આ કમિટીઓની રચના કરવામાં અંદરો અંદર તડા પડી રહ્યાં છે તેમ છતાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પોતાની મસ્તીમાં જ મસ્ત હોય તેમ તેમના પેટનું પાણીયે હલતું નથી. અને મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનને મજબૂત કરવાનું મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ બનતાં અગાઉ લીધેલું પ્રણ જાણે ભૂલી ગયા હોય તેમ નગરપાલિકામાં કમિટીઓની રચનાનો મુદ્દો હોય કે પછી ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થનાર મહેસાણા જિલ્લાના તાલુકા અને શહેર પ્રમુખોની વરણીની બાબત હોય તમામ બાબતે ગિરીશ રાજગોરની નિષ્ક્રિયતા છતી થઇ રહી છે.