અહેવાલ,તસ્વીર - જયંતી મેતીયા
પાલનપુર ડીસા હાઇવે પર અકસ્માતની અવાર નવાર ઘટનાઓ સામે આવી રહી છે. પાલનપુર ડીસા હાઈવે પર આજે ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક ઈસમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. રોડ પર લોહીથી લથપથ આ યુવકને જોઈ આસપાસમાંથી લોકોના ટોળા દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.
પાલનપુર ડીસા હાઈવે પર બાઈક અને આઈવા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીસા હાઈવે પર રિક્ષાના શો રૂમ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે તેની પાછળ બેઠેલી તેમની પત્નીને ઈજા થઈ હતી. ડીસા તાલુકાના વિઠોદર ગામમા રહેતા અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા પતિ પત્ની વિઠોદરથી પાલનપુર ખાતે દવાખાને આવી રહ્યાં હતાં તે દરમિયાન ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પત્નીની નજર સામે જ મૃતક જગદીશભાઈ ઠાકોરનું મોત થયું હતું. જ્યારે તેમના પત્નિ અલકાબેનને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનાને લઇ તેમના પરિવારજનો સહિત ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
Contribute Your Support by Sharing this News: