— બનાસકાંઠા જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસનો નવો અધ્યાય અલેખાશે :
— રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં ફાળવાયેલ ગ્રાંટ આપી,કામગીરીઓ હાથ ધરવામાં આવી :
ગરવી તાકાત પાલનપુર : વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક યાત્રાધામ ઢીમાએ બનાસકાંઠા જિલ્લાનું બીજા નંબરનું તીર્થધામ છે.ત્યારે દર મહિને અગિયારસથી પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે. લાખ્ખો શ્રદ્ધાળુઓ શ્રી ધરણીધરજી ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. બાજુમાં આવેલ ઐતિહાસિક શેષ અવતાર શ્રી ઢીમણનાગ દાદાનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં આ પવિત્ર યાત્રાધામનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રૂ 5 કરોડની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.
સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા વિકાસમાં રસ નહિ હોવાને કારણે માત્ર રૂ 60 લાખની ગ્રાંટ વપરાઈ હતી અને રૂ.4.40 કરોડની ગ્રાંટ સરકારમાં પરત જતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર અને ઐતિહાસિક માંદેળા તળાવનું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનાં વિકાસને લઈને ચાર ચાંદ લાગે તો નવાઈ નહી.
પવિત્ર માંદેળા તળાવની પાળ ઉપર અને કૈલાસ ટેકરીની બાજુમાં હોટલ,રેસ્ટોરન્ટ, 4 દુકાનો સહિત ટોઈલેટ બ્લોકસ બનશે.તો વળી બસસ્ટેશન નજીકથી તળાવની પાળ પર 9 ફૂટનો રસ્તો બનશે.જેથી પ્રવાસીઓ તળાવની આસપાસ હરીફરી શકશે.શ્રી ધરણીધર ભગવાનનાં મંદિરથી હોટલ સુધી પુલ બનશે.જેથી પવિત્ર યાત્રાધામની શોભામાં અભિવૃદ્ધિ થશે.જોકે સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ શ્રી ધરણીધરજી ભગવાનનાં મંદિરથી ઐતિહાસિક માંદેળા તળાવમાં પુલ બનાવવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
પવિત્ર યાત્રાધામ ઢીમા ધામમાં આવેલ અતિપ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં માંદેળા તળાવનાં વિકાસને લઈને શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા કલેક્ટર દ્વારા ઢીમા ધામની વિકાસ કામોની રૂબરૂ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.જોકે તંત્રને પણ વિકાસ કામો મુદ્દે જરૂરી સૂચનાઓ આપી હતી.
— મંદિર સામે આવેલ માંદેળા તળાવમાં સાક્ષાત ગંગાજી પ્રગટ થયાં છે એથી જઇતિહાસની સાક્ષી બન્યું છે :
ભગવાનનાં મંદિરની સામે જ આવેલું પૌરાણિક માંદેળુ માનસરોવર તળાવમાં વર્ષો પહેલાં કોઢી વણઝારાનાં કુતરો ભૂલથી તળાવની વાવમાં પડી જવાથી રોગ મુક્ત થયો હતો.તેથી વણજારાએ પણ શ્રદ્ધાથી સ્નાન કરતાં તે પણ રોગ મુક્ત બન્યો હતો.અને તેને માંદેળા તળાવમાં વાવ ખંદાવી હતી.જે આજેપણ મોજુદ છે.દર પૂનમે હજારો શ્રદ્ધાળુઓ માંદેળા તળાવમાંથી ચરણામૃત તરીકે જળ પીવે છે…
— જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસથી સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે :
પવિત્ર યાત્રાધામ ઢીમા ધામનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.પવિત્ર યાત્રાધામમાં આવતાં લાખ્ખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળશે અને સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે…
-: તળાવમાં નર્મદાનું પાણી નાખી ભવિષ્યમાં બોટિંગ વ્યવસ્થા કરવાની પણ તંત્રની વિચારણા :
પવિત્ર માંદેળા તળાવમાં નર્મદાનાં નીર ભરીને ભવિષ્યમાં બોટિંગ વ્યવસ્થા પણ કરવાનું પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે.જેથી બનાસકાંઠામાં પુનઃ એક નવીન યાત્રાધામનો એક પ્રવાસન સ્થળ તરીકે ડેવલપમેન્ટ થશે….
— એસ.ઓ. શું કહે છે. :
યાત્રાધામ ઢીમામાં વિકાસ કામોમાં ગાર્ડન,તળાવની ફરતે ફરી શકે એવો રસ્તો,ટોઈલેટ્સ,હોટલ, રેસ્ટોરન્ટ, અને શ્રી ધરણીધાર ભગવાનનાં મંદિરથી કૈલાશ ટેકરી સુધી પુલ બનાવવામાં આવશે તેમ નયનભાઈ ચૌધરી એસ.ઓ,માર્ગ અને મકાન વિભાગ થરાદે જણાવ્યું હતુ.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર