રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદની તુલના તાલિબાન સાથે કરનાર ગીતકાર જાવેદ અખ્તરે કટ્ટર હિંદુત્વની છબી ધરાવતા શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખીને સ્પષ્ટીકરણ આપ્યુ છે. આ લેખમાં તેમણે હિંદુઓને વિશ્વના સૌથી સભ્ય અને સહિષ્ણુ બહુસંખ્યક ગણાવ્યા છે.
જાવેદ અખ્તરે સાથે લખ્યુ હતું કે, તાલિબાનના શાસનવાળા અફઘાનિસ્તાનની તુલના ભારત સાથે કરી શકાય નહીં. તેમણે ભારતીયને નરમ વિચારધારાવાળા ગણાવ્યા. આ સાથે જ જાવેદ અખ્તરે કહ્યું કે,‘હું વારંવાર કહું છું કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન જેવું બની શકે નહીં. કારણ કે, ભારત સ્વભાવે ચરમપંથી નથી. સામાન્ય રહેવું તેમના ડીએનએમાં છે.
આ પણ વાંચો – BJP-RSS ના લોકો નકલી હીન્દુ છે, તેઓ ધર્મની માત્ર દલાલી કરે છે : રાહુલ ગાંધી
જાવેદ અખ્તરે જણાવ્યું કે તેમના ટીકાકાર એ વાતથી નારાજ છે કે તાલિબાન અને દક્ષિણપંથી હિંદુ વિચારધારાને સમાન ગણાવી હતી. આ મુદ્દે તેમણે લખ્યુ કે,‘આ સત્ય છે કે તાલિબાન ધર્મના આધારે ઈસ્લામિક સરકારની રચના કરી રહ્યું છે. એવી જ રીતે હિંદુ દક્ષિણપંથી હિંદુ રાષ્ટ્ર ઈચ્છે છે. તાલિબાન મહિલાઓના અધિકારો પર રોક લગાવી તેમને હાંસિયામાં ધકેલવા માગે છે. હિંદુ દક્ષિણપંથીઓએ પણ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ મહિલાઓ અને છોકરીઓના પક્ષમાં નથી.