• ગેસની ગંધ આવતાં ગાડી ઉભી રાખી ઉતળી જતા 7 બાળકો અને બે શિક્ષકોનો બચાવ

  • સ્કૂલવાનમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના દફતર સહિત ગાડી હોમાઈ ગઈ

હિમતનગરઃ હિંમતનગર તાલુકાના રણાસણ સ્થિતિ સ્કૂલના બાળકોને લઇને પીપળીયા ગામે જઇ રહેલ ઇકો વાનમાં હાથરોલ ગામ નજીક અચાનક આગ લાગતા ચાલકે બાળકોને ઉતારી લીધા હતા. સીએનજી વાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદ્દનસીબે વાનમાં રહેલા બે શિક્ષકો સાત બાળકોને લઈ ઊતળી જતાં મોટી હોનારત ટળી ગઈ હતી. આગમાં વિદ્યાર્થીઓના દફતર બળી ગયા હતા.

હિંમતનગર તાલુકાના રણાસણ સ્થિત રોયલ પબ્લીક સ્કૂલના બાળકોને લઇને પીપળીયા ગામે જઇ રહેલ સીએનજી ઇકો વાનમાં હાથરોલ ગામની સીમમાં અચાનક ધૂમાડો નીકળવાનો શરૂ થતા ચાલકે ઇકો વાન ઉભી રાખી બાળકોને ઉતારી દૂર મોકલી દીધા હતા અને જોત જોતામાં ઇકોવાન સળગી ગઇ હતી. બાળકો સહી સલામત બચી જતા શાળા સંચાલક અને વાલીઓએ રાહતનો દમ લીધો હતો. પરંતુ સ્કૂલના બાળકોને લઇને જઇ રહેલ વાનમાં આગ લાગવાની ઘટનાને પગલે અનેક પ્રશ્નાર્થ ખડા થઇ ગયા છે સ્કૂલવાનનુ ફીટનેસ હતુ કે કેમ, સ્કૂલવાન તરીકે રજીસ્ટ્રેશન થયુ હતુ કે કેમ, જો આ બધુ હતુ તો ચકાસણી કોણે કરી તેની તપાસ થવી જરૂરી બની રહી છે.

નોંધનીય છે કે શાળા સંચાલકો અને વેહીકલ ઓપરેટરો ટ્રાન્સપોર્ટેશન ચાર્જના નામે મસમોટી ફી વસૂલે છે પરંતુ બાળકોની સેફ્ટીના નામે મીંડુ હોય છે. હાથરોલ પાસે બનેલ ઘટનાએ તમામ બાબતોને સમર્થન આપ્યુ છે ત્યારે RTO દ્ધારા શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ.