હેમંત ચૌહાણનું પ્રથમ આલ્બમ દાસી જીવનના ભજન 1978માં રીલીઝ થયેલ જે ખૂબજ લોકપ્રિય બન્યુ હતું
અગાઉ દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, કવિ કાગને પણ પદ્મ સન્માનથી નવાજયા હતા.
ગરવી તાકાત, રાજકોટ તા. 06- ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા પદ્મ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્રના જાણીતા ભજનીક હેમંત ચૌહાણને પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રકારનું સન્માન મેળવનાર તેઓ સૌરાષ્ટ્રના પ્રથમ ભજનીક છે. જેઓએ 7000થી વધુ ભક્તિગીત તથા ભજનોને પોતાનો સૂર આપ્યો છે તથા તેઓનું પ્રથમ આલ્બમ દાસી જીવનના ભજનો છેક 1978માં રીલીઝ થયુ અને તે ખૂબજ લોકપ્રિય બન્યુ હતું તથા સૌરાષ્ટ્રના ખુણે ખુણે ગવાયું હતું.
તેઓને 2012માં ગુજરાતી લોક સંગીતમાં યોગદાન બદલ અકાદમી રત્ન એવોર્ડથી નવાજાયા હતા. રાજકોટમાંજ સ્થાયી થયેલા હેમંત ચૌહાણ અત્યંત સરળ પ્રવૃતિના વ્યક્તિ તરીકે પણ જાણીતા છે. સૌરાષ્ટ્રના સાહિત્ય અને કલા ક્ષેત્રને આ એક વધુ ઓળખ મળી છે જેમાં અગાઉ દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, કવિ કાગને પણ પદ્મ સન્માનથી નવાજયા હતા.
સૌરાષ્ટ્રની લોકકલા સંસ્કૃતિ અને ભજન સહિતના ક્ષેત્રે અત્યંત જાણીતા શ્રી હેમંતકુમાર ચૌહાણને ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક સમારોહમાં રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતું. આ ક્ષેત્રે પદ્મ સન્માન મેળવનાર તેમાં રાજકોટના પ્રથમ કલાકાર છે અને તેઓએ આ સન્માન તેમનું નહી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તથા લોકસાહિત્ય અને ભજનની સુરાવલીનું હોવાનું જણાવીને રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.