ગરવીતાકાત,ઉ.ગુ(તારીખ:૨૪)

ગુજરાતના ખેડૂતોને એક પછી એક કુદરતી આફત ઝેલવાનો વારો આવ્યો છે. પહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો. તો ચોમાસા પછી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું અને હવે તીડના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઇ રહ્યું છે. બનાસકાંઠાના સુઈગામ અને વાવામાં તીડોએ આતંક મચાવ્યા પછી ડીસા તાલુકામાં ત્રણ દિવસથી ખેડૂતોના ખેતરમાં તીડનું ઝૂંડ ત્રાટક્યું છે. ડીસા તાલુકાના કંસારી અને ઝેરડા સહિતના આસપાસના ગામોમાં તીડ પ્રવેશતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

તીડને ખેતરમાંથી દૂર કરવા માટે ખેડૂતો અલગ-અલગ પેંતરાઓ અપનાવી રહ્યા છે. કેટલા ખેડૂતો ફટાકડાના અવાજથી તીડને ઉડાવી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો ખેતરમાં વેલણ વડે થાળી વગાડતા વગાડતા દોડી રહ્યા છે અને કેટલાક ખેડૂતોએ તીડને ભાગડવા માટે પોતાના ખેતરમાં DJ સાઉન્ડ મૂકીને મોટા અવાજે ગીત વગાડીને તીડને ખેતરથી દૂર કરી રહ્યા છે. તો કેટલાક લોકો લગ્નમાં વગાડવામાં આવતા ઢોલને પોતાના ખેતરમાં વગાડીને તીડને પોતાના ખેતરમાં આવતા અટકાવી રહ્યા છે. તીડના કારણે ડીસાના ખેડૂતોના ખેતરમાં ઉભા રાજગરો, એરંડો, રાયડો, ઘઉં, વરયાળી, જેવા પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે.

તીડના ત્રાસને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 18 જેટલી ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. બનાસકાંઠાની 2700 હેક્ટર જમીનના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેતરના જંતુ નાશક દવા સાથે પાંચ વાહન કાર્યરત રાખવામાં આવ્યા છે. જેમાં મેલાથીયોનનું પ્રમાણ 96%થી વધારે હોય તેવા દવાનો છંટકાવ કરીને તીડ ભગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠામાં 9 તાલુકાના 77 તાલુકાઓમાં તીડનો ત્રાસ છે.

Contribute Your Support by Sharing this News: