વૃક્ષો ધરાશાયી થયા, બાજરી અને જારના પાકને પણ નુકસાન થયું હોવાના અહેવાલ
પાલનપુર પંથકમાં ગત મોડી રાત્રે એકાએક શરૂ થયેલા વાવાઝોડા અને ધોધમાર વરસાદને કારણે પાલનપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમા નુકશાન થવા પામ્યું છે. ભારે પવન તેમજ વરસાદ ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જ્યારે બાજરી અને જારના પાકને પણ નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. 

રાજ્યમાં તાઉ તે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ વાવાઝોડાના ભયથી સમગ્ર ગુજરાત થરથર કંપી રહ્યું છે. ત્યારે ગત મોડી રાત્રે એકાએક ભારે પવન તેમજ ધોધમાર વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. ભારે પવનના કારણે પાલનપુર પંથકના સુંઢા, માલણ, કુંભાસણ સહિતના ગામોમાં વૃક્ષો ધરાશાયી થયાના તેમજ બાજરી અને જારના પાકોને નુકશાન થયું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. મોડી રાત્રે લોકો વાળુપાણી પતાવી સૂવાની તૈયારીમાં હતા. તે દરમ્યાન એકાએક જોરશોરથી સુસવાટાભેર પવન શરૂ થઈ ગયો હતો અને જોતજોતામાં ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને ત્યાર બાદ જોરશોરથી ધોધમાર વરસાદ પણ શરૂ થઈ જવા પામ્યો હતો. જોકે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે જાનહાનિની ઘટનાના કોઈ અહેવાલ મળ્યા નથી.