પાટણમા હડતાળ પર ઉતરેલા રેસિડન્ટ્સ તબીબોને આરોગ્ય મંત્રીની ચેતવણી, વિરોધ કરશો તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ : રાજ્યના 6 સરકારી મેડિકલના રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. બોન્ડ સેવાને સિનિયર રેસિડન્સીમાં ગણવા માંગ સાથે તબીબોએ હડતાળ શરૂ કરી છે. વારંવારની રજૂઆત છતાં નિવારણ ન આવતા તબીબો હોસ્પિટલમાં OPD, વોર્ડ ડ્યૂટીથી અળગા રહ્યા છે. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે હડતાળ કરનારા વિદ્યાર્થીઓને ચેતવણી આપી કે, રેસિડન્ટ તબીબોની માગ યોગ્ય નથી. જૂનિયર તબીબો પોતાની સેવામાં પરત ફરે. હડતાળ યથાવત રહેશે તો કાર્યવાહી થશે. સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે.

રેસિડેન્ટ ડોક્ટરોએ ત્રણ વર્ષની રેસિડેન્સીના 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીમાં કામ કરવા બદલ 1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણવા માંગ કરી છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ રાહુલ ગામેતીએ કહ્યું કે, વર્ષ 2019 માં એમડી/એમએસ રેસિડેન્સીમાં પ્રવેશ બાદ માર્ચ 2020થી કોવીડના કેસો આવવાની શરૂઆત થઈ હતી. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરની 3 બેચ એટલે કે R1, R2, R3 ની જગ્યાએ ફક્ત બે જ બેચ કાર્યરત છે, જેમાંથી એક બેચ એટલે કે 2022 ની પ્રવેશ પ્રક્રિયા એક મહિના પહેલાં જ પૂર્ણ થઈ છે,

જેમને કામનો અનુભવ નથી. તેવામાં વર્ષ 2020માં પ્રવેશ મેળવેલ બેચ પર ભારણ વધારે છે અને અત્યારે પાસ આઉટ વિદ્યાર્થીની સિનિયર રેસીડેન્સી બોન્ડમાં ગણવામાં આવે તો વધુ માત્રામાં સરકારને અનુભવી ડોક્ટર મળી શકશે. ગત વર્ષે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 2019 અને 2020 ની બેચ માટે એક કમિટીની રચના કરાશે. પરંતુ હજુ સુધી થયુ નથી.

સાથે જ  ડોક્ટરોએ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે, અને માંગણી ન સ્વીકારે તો ઇમરજન્સી સેવા પણ બંધ કરશે તેવુ જણાવ્યું છે. આજથી ગુજરાતની ૬ સરકારી મેડીકલ કોલેજ ના MD અને MS ના ૨૦૧૯ ની બેચ ના ૧૦૦૦થી વધુ તબીબી ડોક્ટર સિનિયર રેસીડેન્સી વિરોધ નોંધાવ્યો છે.

ત્યારે રેસિડન્ટ તબીબોના હડતાળ પર ઉતરી જવાથી તબીબી સેવા પર મોટી અસર પડી છે. ત્યારે આ મામલે પાટણ પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે કહ્યુ કે, રેસિડન્ટ તબીબોની માગ યોગ્ય નથી. જૂનિયર તબીબો પોતાની સેવામાં પરત ફરે. હડતાળ યથાવત રહેશે તો કાર્યવાહી થશે. સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. જૂનિયર તબીબો પોતાની સેવા યથાવત્ નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે. જૂનિયર તબીબો જો પોતાની હડતાળ યથાવત રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. પાટણ ખાતે સરકારની 8 વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય મંત્રીએ આ નિવેદન આપ્યુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.