ગરવી તાકાત પાલનપુર : આજે ૭ મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ ના દિવસે બનાસકાંઠા જિલ્લા મા ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિશુલ્ક સેવા એટલે GVK EMRI 108 અને MHU (મોબાઈલ હેલ્થ યુનિટ ) દ્વારા વડીલ વિશ્રાંતિ ગૃહ પાલનપુર ખાતે અંદાજે 85 જેટલા વડીલો ના બી.પી., ડાયાબિટીસ , તેમજ અન્ય આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી
તથા લોહીના તેમજ યુરિનના વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને વૃધ્ધોને દવાઓ અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. અને એજ પ્રકારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જગ્યાએ હેલ્થ ચેકઅપ નુ આયોજન કરવામાં આવ્યું હતુ અને લોકોને આરોગ્ય પ્રત્યે તકેદારી કેવી રીતે રાખવી તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.
નિરોગી રહેવા અને આપણુ આરોગ્ય આપણા હાથમાં તે બાબતે વધુ વાત કરતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયારે જણાવ્યું હતું કે આ વર્ષના વર્લ્ડ હેલ્થ ડે ની થીમ ” આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય” રાખવામાં આવી છે. આપણું સ્વાસ્થ્ય એ મુખ્યત્વે હવા, પાણી અને ખોરાક પર નિર્ભર હોય છે.
આજના દિવસે દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો જોઈએ કે શક્ય હોય ત્યાં સુધી હવા, પાણી કે જમીન ને પ્રદુષિત થતી રોકીશું. આપણા ભવિષ્ય માટે આપણે હવા, પાણી અને ખોરાક પ્રદુષણ ને રોકીશું તો જ આપણી આવનારી પેઢીઓ સ્વાસ્થ્યની સંપત્તિ મેળવી શકશે. આપણા ગ્રહનું સ્વાસ્થ્ય એટલે કે આપણી પૃથ્વી નું સ્વાસ્થ્ય હવે આપના હાથમાં છે. હવે એને આપણે કેવી રીતે સાચવીએ છીએ અને કેટલું સાચવીએ છીએ તે આપણા પર નિર્ભર છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર