મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નંદાસણ હાઈવે પાસેથી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યુ છે. જેમાંથી અધધ 65 લાખ રૂપીયાના મદ્દામાલ સાથે દારૂની બોટલો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મહેસાણામાંથી દારૂ ભરેલુ વાહન પસાર થઈ અમદાવાદ તરફ થઈ રહ્યુ છે. જેથી પોલીસે નંદાસણ હાઈવે પરથી દારૂથી ભરેલુ કન્ટેનર ઝડપી પાડી એક આરોપીને પણ દબોચી લીધો હતો.
આટલી મોટી માત્રામાં દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જેને લઈ આટલી માત્રામાં દારૂ ક્યાંથી ગુજરાતમાં પ્રવેશ્યો તેેવા પ્રશ્નો પણ ઉઠ્યા હતા. જ્યારે ઝડપાયેલ આરોપી યુપીનો હોવાનુ સામે આવ્યુ છે. જેની પ્રાથમીક પુછપરછમા સામે આવ્યુ છે કે, આ દારૂનો જથ્થો તેને રાજેસ્થાનના એક શખ્સે ભરી આપ્યો હતો. આ મામલે ઝડપાયેલ આરોપી સીવાય પોલીસે રાજેસ્થાનના સુનીલ મોતીભાઈ દરજી, કન્ટેનરમાં દારૂ ભરી આપનાર દેવીલાલ નામના શખ્સ સહીત મદનલાલ અને વિરેન્દ્રસીંહ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે.
આજરોજ મંગળવારે એલસીબીની ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર, પીએસઆઈ, એએસઆઈ સહીતના સ્ટાફના માણસો નંદાસણ હાઈવે રોડ, મેવડ ટોલનાકા પાસે હાજર હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, મહેસાણાથી અમદાવાદ તરફ જનારા રસ્તા પર દારૂ ભરેલુ HR-55-S-3929 નંબરવાળુ કન્ટેનર પસાર થનાર છે. જેથી એલસીબીની ટીમે મેવડ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી આધારેનુ કન્ટેનર આવતા તેની તપાસ કરતા તેમાંથી ખચોખચ ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ઝડપાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની પેટી નંગ 848, બોટલ નંગ – 17376 કિંમત રૂપીયા 40,70,400/-, કન્ટેનર કિમત રૂપીયા 25,00,000/-, મોબાઈલ નંગ 1 કિંમત રૂપીયા 5000, મળી કુલ 65,70,400/- નો મુદ્દામાલને કબ્જે કરી ઝડપાયેલ આરોપી યાદવ કુલરાજસીંહ કપ્તાનસીંહ, રહે – મહારાજપુરા, તા.અલીગંઝ, જી.એટા,(યુપી) વાળા સહીત વોન્ડેટ આરોપી રાજેસ્થાનના સુનીલ મોતીભાઈ દરજી, કન્ટેનરમાં દારૂ ભરી આપનાર દેવીલાલ નામના શખ્સ સહીત મદનલાલ અને વિરેન્દ્રસીંહ વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશન તથા આઈપીસીની કલમ આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.