ગુજરાતનો દરિયો તોફાની બનશે, કાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

આ વર્ષના શિયાળામાં કમોસમી વરસાદ, માવઠાના કારણે સામાન્ય લોકો સહિત ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વારંવાર બદલાતા વાતાવરણને કારણે મોટાભાગે તમામ ઘરોમાં શરદી ખાંસીનાં દર્દીઓ જાેવા મળી રહ્યા છે. ત્યારે ગુરુવારથી, એટલે આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતનો કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બનવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા દર્શાવતા માછીમારોને પણ એલર્ટ કરાયા છે

આ વખતે ઠંડીએ થોડી જમાવટ કરી અને હવામાન સુકુ થયું ત્યાં ફરી ગુજરાત ઉપર માવઠાનું ગ્રહણ લાગવાનું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરુવારથી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતનો કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બનવાની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે

ગુજરાતમાં મંગળવારે ઠંડીની વાત કરીએ તો, સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૦ ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે, જુનાગઢમાં ૧૨.૫, સુરેન્દ્રનગર ૧૩, જામનગર અને રાજકોટમાં ૧૩.૫, પોરબંદર અને કેશોદમાં ૧૪, મહુવા ૧૪.૭, ભાવનગર ૧૫, દ્વારકા ૧૬.૩ સે.તાપમાને ઠંડી નોંધાઈ છે. આજે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ૨૧મી તારીખ સુધી ગુજરાતના જખૌ, માંડવી કચ્છ, મુંદ્રા, ન્યુ કંડલા, મોરબી પાસે નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર એ દરિયાકાંઠા પાસે કલાકના ૪૦થી ૫૦ કિ.મી. અને મહત્તમ ૬૦ કિ.મી. સુધી પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે માછીમારોને આ દિવસોમાં દરિયો નહી ખેડવા તાકીદ કરાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર તા.૨૧ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે જેની અસર રૂપે હવામાનમાં ફરી પલ્ટો આવશે. આવા માવઠાના સમાચારને કારણે ખેડુતોમાં પણ ચિંતા વ્યાપી છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ૧૯મી તારીખે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. આ સાથે, ૨૦ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યારે ૨૧ જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની આગાહી છે.તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકું રહેવાની શક્યતાઓ છે. તેમજ ૨૩ જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.