દેશમાં કોરોના વાયરસના આગમન પહેલા પણ આર્થીક પરિસ્થિત સારી નહોતી, વર્ષ 2017-18ના NSSO ના રીપોર્ટમાં સામે આવ્યુ હતુ કે, ભારતમાં બેરજગારી દર 45 વર્ષની સપાટીએ છે. ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં વર્ષ 2016 થી 2019-20 દરમ્યાન હજારો યુવાનોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે નાગરીક ઉપભોક્તા માર્ગદર્શક મંચ દ્વારા વડાપ્રધાન મોદીને ઈમેઈલ મોકલી રોજગાર આયોગ બનાવવાની માંગ કરી છે. જેમાં કેટલાક ચોંકાવનારા આંકડા પણ રજુ કરવામાં આવ્યા છે. આ આંકડાથી ગુજરાતમાં બેરોજગારી દરના સંકટે કેટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે તેની વિગતો પણ સામે આવી છે.
સરકાર ભલે ફુલ ગુલાબી ચીત્ર બતાવતી હોય પરંતુ નાગરીક ઉપભોક્તા માર્ગદર્શક મંચ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, દેશમાં વર્ષ 2016 થી 2019-20 દરમ્યાન 10224 યુવાઓએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી છે.
સુત્ર દ્વારા મળેલી જાણકારી મુજબ નાગરીક ઉપભોક્તા માર્ગદર્શક મંચે વર્ષવાર આંકડા રજુ કરી જણાવ્યુ હતુ કે, વર્ષ 2016-17માં 2298, વર્ષ 2017-18 માં 2224, વર્ષ 2018-19માં 2741 તથા વર્ષ 2019-20માં 2851 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી હતી.
બેરોજગારીને કારણે જે લોકોએ આત્મહત્યા કરી હતી તેમાં મહારાષ્ટ્ર 1628 મોત સાથે પહેલા નંબર પર હતુ. આ સીવાય તમીલનાડુમાં 1121, ગુજરાતમાં 1095, અસમમાં 688 તથા કેરળમાં 511 લોકોએ આત્મહત્યા કરી હતી. આ સીવાય બીજા રાજ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
એક તરફ ગુજરાતમાં વિજય રૂપાણીની આગેવાની હેઠળ 5 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં સરકાર 8 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજી પોતાની પીઠ થાબડી રહી છે, ઉપરાંત રાજ્ય સરકાર આ ઉજવણી દરમ્યાન 6 ઓગસ્ટના રોજ યુવા શક્તિ દિનની ઉજવણી પણ કરવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં રોજગાર મેળા યોજાનાર છે. ત્યારે આ આંકડા ક્યાંક ને ક્યાંક સરકારના દાવાઓની પોલ પણ ખોલી રહી છે. ગુજરાતમાં 2016 થી 2019-20 દરમ્યાન 1095 લોકોએ બેરોજગારીને પગલે પોતાનુ જીવન ટુંકાવી દેવાનુ સામે આવતાં વિપક્ષ નેતા અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા.
અર્જુન મોઢવાડીયાએ પોતાની ફેસબુક પોસ્ટ મારફતે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં લાખો પદ ખાલી પડ્યા છે, તેમ છતાં ભરતી નહી થતાં લાખો યુવાનો બેરોજગારના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. ઉંમર થવા છતાં રોજગારી ના મળતા યુવાનો ડીપ્રેશનનો ભોગ બને છે, અને આત્મહત્યા જેવા ઘાતક પગલા તરફ ધકેલાઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1,095 યુવાનોએ બેરોજગારીના કારણે આત્મહત્યા કરવી પડી. દેશની આશા સમાન યુવાનો કેટલા માનસિક આઘાતમાં આવુ ઘાતક પગલુ ઉઠાવવા મજબુર બનતા હશે તે વિચારતા જ કાળજુ કકળી ઉઠે છે. છતાં સંવેદનશીલતાની વાતો કરતી ભાજપ સરકારનાં પેટનું પાણી પણ હલતું નથી.
મોઢવાડીયાએ TET પાસ ઉમેદવારોનો ઉલ્લેખ કરી કહ્યુ હતુ કે, વિદ્યાસહાયકોની ભરતી ના થતા તેઓ ચાર વર્ષથી બેરોજગાર ફરી રહ્યાં છે. આવા તો લાખો યુવાનો રોજગારીના હકથી વંચિત છે, તેમ છતાં ભાજપ સરકાર ઉત્સવો ઉજવીને યુવાનોના સ્વપ્નો અને ભવિષ્યની ક્રુર મજાક કરી રહી છે.