ગરવીતાકાત અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમા અસહ્ય ગરમીથી 500થી વધુ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 44.3 ડિગ્રી ગરમી હોવાના કારણે 100થી વધુ લોકો મુર્છિત થઈ ગયા હતા. નોંધનીય છે કે અમદાવાદમાં ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યું છે. આવી ભંયકર ગરમી જીવલેણ પુરવાર થાય તેવી પણ શક્યતા છે. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

500થી વધુની તબિયત લથડી
શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધાયેલા આકંડા મુજબ કાળઝાળ ગરમીના કારણે 500થી વધુની તબિયત લથડી હતી. 100થી વધુ મુર્છિત થયા હતા. 150થી વધુ લોકોને પેટનો દુખાવો ઉપડ્યો હતો. અને 50થી વધુ લોકોને છાતીમાં દુખાવો થતા 108 મારફતે શહેરની વિવિધ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ગરમીથી બચવા શું તકેદારી રાખવી?
મે માસની ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ત્યારે આ દરમિયાન ખાસ કરીને અશક્ત, બીમાર, દિવ્યાંગ અને વૃદ્ધો અને બાળકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. લોકોએ કામ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, બહારના ખાણા-પીણા છોડી દેવા જોઈએ, તાપમાં ચાલવાનું ટાળવું જોઈએ અને સતત પાણી પીતા રહેવું જોઈએ. જો તાપમાં બહાર નીકળવાનું થાય તો સુતરાઉ કપડા પહેરવા જોઈએ. ટ્રાવેલિંગ દરમિયાન પાણી સાથે રાખો.

અમદાવાદ બપોરે કર્ફ્યું જેવો માહોલ
હીટવેવથી બપોરના સમયે અમદાવાદ તમામ ચાર રસ્તાઓ પર રીતસર કર્ફ્યુ જેવા માહોલ જોવા મળી રહ્યો છે. જેથી શહેરીજનો લાચાર બની ગયા છે. ઉત્તરીય અરબી સમુદ્રમાં રચાયેલાં હાઈ પ્રેશરથી એકાએક ગરમી વધતા અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો છે. ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 44.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 44.7 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ ગરમ શહેર બન્યું હતું

Contribute Your Support by Sharing this News: