ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા હિસ્સો – ભૂપેન્દ્ર પટેલ 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 : ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવતા મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં પણ ગુજરાત દેશમાં ૫૩ ટકાના યોગદાન સાથે અગ્રીમ હરોળમાં છે. દેશમાં બનતા કાર્ડિયાક સ્ટેન્ટના ૭૮ ટકા અને આંખોના લેન્સના ૫૦ ટકા ગુજરાતમાં બને છે.

રાજકોટ અને જંબુસરમાં મેડિકલ ડિવાઇસીસ તથા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવીને આપણે એમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખવી છે. ઉદ્યોગોના વિકાસ સાથે તેને અનુરૂપ માનવ સંસાધન વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, અર્બન ડેવલપમેન્ટ, હેલ્થકેર જેવા સોશિયલ સેક્ટર્સનો પણ વર્લ્ડક્લાસ વિકાસ થાય એ માટે આ વાઇબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ સાબિત થઈ છે. ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાએ પહોંચાડ્યું છે. ૮૮૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.

આ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૩માં ઔદ્યોગિક રોજગાર ૭ લાખ જેટલા હતા, તે આજે વધીને ૨૩ લાખ જેટલા થયા છે. ગુજરાતે ગત ૨૦ વર્ષ દરમિયાન મેડિકલ કોલેજોમાં ૨૩૩ ટકા અને મેડિકલ સીટ્સમાં ૩૬૦ ટકા વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૦માં ગુજરાત પાસે માત્ર ૧૧ ડાયાલીસીસ સેન્ટર હતા, જે આજે વધીને ૨૫ ગણા એટલે કે ૨૭૨ થયા છે. ડે-કેર કિમો થેરાપીમાં ત્રણ ગણો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં ૧૬ ગણો વધારો થયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.