ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી
ગુજરાતમાં 26માંથી 26 બેઠક અને એ પણ 5 લાખથી વધુની લીડ સાથે જીતવાના સંકલ્પ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 19 – ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠક અને એ પણ 5 લાખથી વધુની લીડ સાથે જીતવાના સંકલ્પ સાથે ભારતીય પાર્ટી ચૂંટણી જંગમાં ઉતરી છે. આજે અમદાવાદ ખાતે મીડીયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ મીડીયા સેન્ટરનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં દરેક બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે લોકસભા ચુંટણીમાં પત્રકારોને ભારતીય જનતા પાર્ટીની દરેક માહિતી સરળતાથી મળી રહે તે માટે મીડીયા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, ભાજપના મીડીયા સેન્ટર પરથી પક્ષના આગામી કાર્યક્રમોની માહિતી, કેન્દ્રીય તેમજ પ્રદેશના પદાધિકારીઓના પ્રવાસ, જાહેરસભા, ગ્રુપ મીટીંગો, સામાજીક સંમેલનો બાબતની પ્રેસનોટ તેમજ ભાજપના પ્રવકતાઓની કોઈપણ મુદે પ્રતિક્રિયા જોઈતી હશે તે અહીથી સરળતાથી મળી રહેશે. દેશમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે અને ફરી એક વાર મોદી સરકાર બનવા જઈ રહી છે.