રાજયમાં 22 બેઠકો પર ભાજપની સેન્સ પુરી: ગાંધીનગરમાં અમિત શાહનું સિંગલ નામ
દરેક બેઠક પર આઠ થી દશ દાવેદાર: મોટાભાગના સાંસદોને કાપવાની ભાજપની તૈયારી વચ્ચે પણ લડી લેવા અનેક તૈયાર
દરેક બેઠક પર એક મહિલા સહિત ચાર નામોની પેનલ બનાવી દિલ્હી મોકલાશે: મોટાભાગના સીટીંગ સાંસદો ફરી ચુંટણી લડવા તૈયાર
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – આગામી લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાવાની તૈયારીમાં છે ત્યારે ગુજરાત ભાજપની લોકસભાના ઉમેદવારોના નામોની યાદી ગુરુવાર રાત્રિ સુધી જાહેર થાય તેવી શક્યતા છે. જેમાં મહેસાણા લોકસભાની બેઠક માટે પૂર્વ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની દાવેદારી મક્કમ માનવામાં આવી રહી છે. જો કે નિતીન પટેલની શક્યતાઓ વધુ ચર્ચાઇ રહી છે. જો કે આખરી નિર્ણય તો દિલ્હી હાઇક્માન્ડ દ્વારા જ મેન્ડેડ આપવામાં આવશે.
આગામી દિવસોમાં જાહેર થનારી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અંગે ભાજપે સેન્સ પ્રક્રિયા ગઈકાલથી શરૂ કરી છે અને એક જ દિવસમાં 22 બેઠકો પર સેન્સ પ્રક્રિયા પુરી કર્યા બાદ આજે અમદાવાદ સહિતની ચાર બેઠકો માટે પણ સેન્સ લેવાઈ ગયા બાદ આજે સાંજથી જ તખ્તો ગાંધીનગર ખાતે ફેરવાઈ જશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાલ તેલંગાણાના રાજકીય પ્રવાસે છે અને તેઓ બપોર સુધીમાં પરત આવ્યા બાદ તેમના બંગલે ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થઈ જશે.
અને આવતીકાલ સાંજ સુધીમાં તમામ બેઠકો પર એક મહિલા સહિત ચાર નામોની પેનલ બનાવીને દિલ્હીમાં કેન્દ્રીય ચુંટણી સમીતીને સુપ્રત કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ દિલ્હી જઈને નામો ફાઈનલ કરશે અને ગુરુવાર રાત સુધીમાં ગુજરાતની ભાજપની લોકસભાની યાદી જાહેર થઈ જાય તેવા સંકેત છે.
ગઈકાલે પુરો દિવસ સેન્સનો ધમધમાટ રહ્યો હતો. ગાંધીનગરમાં લોકસભા બેઠક માટે એકમાત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનું નામ તમામ લોકોએ સૂચવ્યુ છે અને તેથી જો અમીત શાહ ગુજરાતમાંથી ચુંટણી લડે તો તેઓ ઉમેદવાર હશે તે નિશ્ર્ચિત થઈ ગયું છે જયારે બીજી તરફ મહેસાણામાં પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉપરાંત પક્ષના મહામંત્રી રજની પટેલે પણ દાવેદારી કરી છે જયારે વર્તમાન ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાએ અમદાવાદની બેઠક પર પોતે ચુંટણી લડવા ઈચ્છતા હોવાનું જણાવ્યું છે.
જુનાગઢની બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ઉપરાંત કિરીટ પટેલ પુર્વ મેયર જયોતીબેન વાછાણી, ગીતાબેન માલવે, દીનેશ ખટારીયા તેમજ હાલમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભાવનાબેન હીરપરાએ પણ ટિકીટ માંગી છે. ભરૂચની લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ ટિકીટ માંગી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા લડી રહ્યા છે અને કોંગ્રેસનો ટેકો છે તેથી સ્પર્ધા રસપ્રદ હશે. જો કે જેમના નામ વાઈરલ થઈ રહ્યા છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના અનેક અગ્રણીઓએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી.