ગરવીતાકાત,તારીખ:૦૭

દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી વચ્ચે ભોજનમાં જરૂરી મનાતી ડૂંગળીનો ભાવ આજે કિલો દીઠ રૂપિયા એક સો પર પહોંચ્યો હતો.જથ્થાબંધ વેપારીઓના કહેવા અનુસાર આગામી દિવસોમાં ડૂંગળીનો ભાવ રૂપિયા ૧૨૦ સુધી પહોંચી શકે છે. આમ રસાઇની રાણી મનાતી ડૂંગળીનો ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટમાં મોટો કાપ કરવો પડયો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડૂંગળી લોકોને વધારે રડાવશે. ડૂંગળીનો ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકારનો બચાવ કરતાં કેન્દ્રના ખાદ્ય અને ગ્રાહક બાબતોનાં મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે આ વર્ષે ડૂગળીનો પાક ૪૦ ટકા ઓછો થયો હતો આ કારણસર ભાવ વધ્યા હતા.

પાટનગર દિલ્હીમાં મહિલાઓ શાક માર્કેટમાં જતા પણ ખચકાય છે. છેલ્લા દસ દિવસોમાં જ ડૂંગળીના ભાવમાં આશરે ૩૦૦ ટકાનો વધારો થયો હતો. અન્ય રાજ્યોમાં કિલો દીઠ ભાવ રૂપિયા ૯૦ પણ હોઇ શકે છે. સમાચાર અનુસાર મહારાષ્ટ્રના ડૂંગળીના સૌથી મોટા બજાર લાસગાંવમાં ભાવ કિલો દીઠ ૫૫થી ૫૦ ની વચ્ચે રહ્યો હતો. આ ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. જો કે ઓગસ્ટની શરૂઆતમાં એક કિલો ડૂંગળીનો ભાવ એક કિલોનો માત્ર ૧૩ રૂપિયો હતો.

ડૂંગળીના વધતા જતા ભાવ જોઇ કેન્દર સરકાર પણ એકશનમાં આવી ગઇ હતી અને એણે વિદેશોમાંથી ડૂંગળી મંગાવવા યોજના બનાવી હતી. ડૂંગળીના આયાત પછી ભાવમાં ઘટાડો થવાની શક્યતા હોઇ શકે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. ડૂગળીના ઓછા પાક માટે પાસવાને બે કારણો ગણાવ્યા હતા. એક તો ચોમાસાની મોડી શરૂઆત અને પછી કમોસમી વરસાદ જેમાં ઊભો પાક બગડી ગયો હતો. ઉપરાંત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ડૂંગળીના પાકને નુકસાન થયો હોવાનું પણ એક કારણ છે.

પાસવાને પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી કહ્યું હતું કે ઓકટોબર મહિનામાં જે જે રાજ્યોને જેટલી જરૂર હતી તે પુરી કરાઇ હતી. અમારા બફર સ્ટોકમાંથી તેમને ડૂંગળીનો પુરવઠો અપાયો હતો. પરંતુ હવે સરકાર પાસે માત્ર ૧૫૫૭ મેટ્રીક ટન ડૂંગળી બચી છે. દિલ્હીએ લખ્યું હતું કે લાંબા સમય સુધી ડૂંગળીને બંધ ગોડાઉનમાં રાખવાથી તે સડી ગઇ હતી. ઉપરાંત ડંગળીના સ્ટોક માટે એક મર્યાદા નક્કી કરાઇ હતી. જેની પાસે તેના કરતાં વધારે હશે તેની સામે પગલાં લેવાશે.

ઉલ્લેખનીય છે કે સરકારે ડૂંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે ડૂંગળીના ઉત્પાદનો પર પણ પ્રતિબંધ લદાયો છે. પરંતુ ડૂંગળીના વધી ગયેલા ભાવને જોતાં સરકારે તુર્કી અને ઇરાનમાંથી ડૂંગળીની આયાત કરવા નિર્ણય કર્યો હતો. પાસવાને કહ્યું હતું કે અમે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને ડૂંગળીના ભાવ પર નિયંત્રણ રાખવા કહ્યું હતું.