માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણીએ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે, કે ગુજરાતમાં પી. એમ. એફ.બી. વાય યોજના હેઠળ માન્ય પાકોની પાક વીમાની યોજના ચાલુ હતી. જેના અનુસંધાને ખેડૂતોએ વર્ષ 2019-20ના વર્ષનું પાક વીમાનું પ્રિમીયમ ભરેલ હતું પણ હજુ સુધી આ બાબતે વીમા સંબંધિત પ્રશ્નનો કે યોજનાની ફળશ્રુતિનો ઉકેલ આવેલ નથી.
લાડાણીએ પત્રમાં જણાવેલ છે કે આ પ્રશ્ન અન્વયે મેં 19 એપ્રિલ 2021 ના રોજ ખેતી નિયામક કચેરી ગાંધીનગરને આ અંગેની લેખિત રજૂઆતો કરેલ. જેના અનુસંધાને ખેતી નિયામક કચેરી એ જૂનાગઢ જિલ્લાની માન્ય વીમા કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સને આ પ્રશ્ન બાબતે જાણ કરેલ અને તેનો જવાબ મને 12 જુલાઈ 2021 ના રોજ મળેલ. જેમાં એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની એ જણાવેલ કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમોને જે સબસીડીની રકમ ચૂકવવાની હોય છે તે ચૂકવાયેલ નથી. જ્યારે સબસીડી ચૂકવવામાં આવશે ત્યાર પછી આગળની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો – માણાવદર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકનું મબલખ ધોવાણ તાકીદથી સર્વે કરવા કોંગ્રેસની માગણી
લાડાણીએ જણાવેલ છે કે 2 વર્ષ થયા છતાં સરકારે ગમે તે કારણોસર આ રકમ વીમા કંપનીને ચુકવેલ નથી. પરિણામે તેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના ભાગે આવતી 2019-20ના વર્ષની સબસીડી તાત્કાલિક અસરથી વીમા કંપનીને ચૂકવે તેમ અંતમાં લાડાણીએ જણાવેલ છે. ઉમેરેલ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વાંકે જ પાક વીમા ની કાર્યવાહી આગળ વધતી નથી બંને સરકારો સંકલનના અભાવનો ભોગ બનતી દેખાય છે. બંને સરકારોની રીતિ નિતિનો ભોગ ખેડૂતો બની રહ્યા છે જો આ પ્રશ્ન પ્રત્યે તાકીદથી સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો ખેડૂતોના હિતમાં નાછૂટકે અમારે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે