જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

શેર કરવા અહીં ક્લિક કરો.

રીસર્વેની કામગીરી અંગે સરકારના પરીપત્રો મુજબ વાંધા અરજીઓના નિકાલ કરવા અંગે રાજ્યના તમામ ડીસ્ટ્રીક્ટ ઈન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડના કર્મચારીઓને 31 ડીસેમ્બર 2020 સુધી બધી વાંધા અરજીઓનો નિકાલ કરવા અંગે આદેશ આપવામાં આવેલ છે. પરંતુ આ આદેશમાં કોઈ પણ પ્રાઈવેટ એજન્સીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો જે આ બધા માટે જવાબદાર છે.

ગુજરાત સરકારે વર્ષ 2012માં સમગ્ર રાજ્યમાં પ્રાઈવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી જમીનની કામગીરી સોપી હતી. આ કામગીરીમાં મોટા પાયે ગફલતો થતા અને માપણીની વિરૂધ્ધમાં લાખો અરજીઓ કચેરીઓમા આવતા એના નીકાલ અંગે મહેસુલ વિભાગે રાજ્યની દરેક મહેસુલ વિભાગની કચેરીને પત્ર લખી આદેશ કરાવામાં આવેલ. આ અંગે મહેસાણા કલેક્ટર ઓફીસ ખાતે રીસર્વેની કામગીરી અંગેની વાંધા અરજીઓના નીકાલ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં કલેક્ટર સહીત સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી લોંખડવાલા તથા ધારસભ્ય રમણભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેમાં ખેડુતોની જમીનોની માપણી દરમ્યાન પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા કરાયેલા બોગસ કામગીરીને સુધારવાની કામગીરી ડીસ્ટ્રીક્ટ ઈન્સપેક્ટર લેન્ડ રેકર્ડ ના સરકારી કર્મચારીઓને સોપી તેમને 31 ડિસેમ્બર સુધીની ટાઈમ લાઈન આપવામાં આવી હતી. 

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર કચેરી દ્વારા જણાવાયુ હતુ કે ખેડૂતને તેની વાંધા અરજી માટે જિલ્લા સ્તરની કચેરીએ આવવું ના પડે એ માટે ગ્રામ્ય પંચાયત સ્તરે તલાટી કમ મંત્રીને અરજી સ્વીકારવાની રહેશે તથા તમામ વાંધા અરજીઓનો ક્રમાનુંસાર નિકાલ કરવા કરવાનો રહેશે અને અત્યાર સુધીની આવેલી વાધાં અરજીઓ પૈકી ડી.આઈ.એલ.આર.ની કચેરી દ્વારા 16699 જેટલી અરજીઓનો નીકાલ કરવામાં આવ્યો છે.

પરંતુ આ બેઠકમાં એવી કોઈ જોગવાઈ કે પ્રસ્તાવ રજુ ન હતો કરાયો કે જે કંપનીની બોગસ કામગીરીને કારણે મહેસાણા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ખે઼ડુતોની વાંધા અરજીઓનો ખડકલો થઈ જવા પામ્યો છે, આવી પ્રાઈવેટ એજન્સીઓ વિરૂધ્ધ કોઈ પગલા ભરવામાં આવશે તથા આવી એજન્સીઓ પાસેથી નાણાની રીકરવી કરવામાં આવશે. અથવા આવી  પ્રાઈવેટ એજન્સીઓને ને પાછી બોલાવી એની પાસે કામગીરી લઈ આ અરજીઓને નીકાલ કરવામાં આવશે. આવી કોઈ કાર્યવાહી કે પ્રસ્તાવ ના કરતા પ્રાઈવેટ એજન્સી દ્વારા થયેલી જમીન માપણીની ભુલોને ઢાંકવાનુ કામ સરકારના તંત્ર દ્વારા થઈ રહ્યુ હોય એમ જણાઈ રહ્યુ છે. 

અમારી પાસેની એક્સક્લુઝીવ માહીતી પ્રમાણે માત્ર મહેસાણા જીલ્લામાં જ 51 હજાર કરતા વધુ વાંધા અરજીઓ આવેલી છે. જેમાંથી કલેક્ટર કચેરી દ્વારા જાણવા મળ્યુ હતુ કે અત્યાર સુધી 16699 અરજીઓને નીકાલ કરવામાં આવ્યો છે. આ 16699 અરજીઓ નો નિકાલ ડીસ્ટ્રીક્ટ ઈન્સપેક્ટર લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા કરાયો હતો જેમાં પ્રાઈવેટ એજન્સીની ભુમીકા નહીવત પ્રમાણની હતી. છતા પણ સરકારે આવી બોગસ કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીને 100 ટકા નાણા ચુકવી દીધેલા. 

પ્રાઈવેટ એજન્સી દ્વારા જમીન માપણીની કામગીરીમાં અઢળક ભુલો થઈ હતી. જેમાં ખેડુતોના ખેતરોના માપ બદલી નાખેંલ હતા, તેમના કબ્જાઓને બદલી દેવામાં આવ્યા હતા, જમીનના નક્શામાં ફેરફાર તથા અમુક કેસોમાં તો આખે આખા સર્વે નંબરો પણ ગાયબ કરી દેવામાં આવ્યા છે. જેથી ખેડુતોની મુશ્કેલી વધી જવા પામેલ છે.

ખેડુતોની જમીનમાં પ્રાઈવેટ એજન્સી દ્વારા થયેલી કામગીરીમાં મોટ્ટા પ્રમાણમાં ભુલો થયેલી જેથી ગરીબ ખેડુત એની જમીન ઉપરની લોન, વેચાણ, કૌટુબીંક વહેચણી જેવી કામગીરી કરતો અટકી પડ્યો છે. આ પ્રશ્નો ઉપસ્થિત થતા સામાન્ય ખેડુતને કોર્ટ કેસો પણ વધી રહ્યા છે. જેની ફી ભરી ખેડુત પોતાની જ જમીનનો હકદાર છે એવુ સાબીત કરવુ પડી રહ્યુ છે તથા કચેરીઓમાં અરજીઓ આપી ફી ભરી એને પોતાની જમીનના સ્થળે જઈ સાબીત કરવુ પડી રહ્યુ છે કે આ જમીન એની જ છે. આ બધી જ હાડમારી જે પ્રાઈવેટ કંપનીઓ અને  અધીકારીઓ   દ્વારા ઉભી થઈ છે એમની વિરૂધ્ધ કોઈ પગલા ના ભરતા માત્ર તંત્ર દ્વારા ખેડુત હવે અરજી ગ્રામ પંચાયતમાં પણ કરી શકશે એવી જાહેરાત કરી ગુનેગારોને બચાવવાની કોશીષ કરી રહ્યા હોય એવુ જાણવા મળી રહ્યુ છે.

મહેસાણા જીલ્લામાં જે કુલ 51 હજાર કરતા પણ વધુ વાંધા અરજીઓ આવી છે એ 2014 બાદ આવેલી અરજીઓ છે. આ 51 હજાર પૈકી 16699 અરજીઓનો નીકાલ અત્યાર સુધી કરવામાં આવ્યો છે અને બાકી ની અરજીઓનો નિકાલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે જે ખરેખર અશક્ય ટાર્ગેટ જણાઈ  રહ્યો છે. 6 વર્ષમાં જો મહેસાણાની કચેરી માત્ર 16699 અરજીઓનો જ નિકાલ કરી શકી હોય તો બાકીની લગભગ 33 હજાર જેટલી અરજીઓ 3 માસમાં કેવી રીતે નીકાલ કરી શકે? આવા બીંદુઓને સ્પર્ષ કર્યા વગર જ નીચેની કચેરીઓને તુઘલકી ફરમાનો જાહેર કરી દેવામાં આવતા હોય છે. બાકીની વાંધા અરજીઓનો નિકાલ કેવી રીતે કરાશે એની કોઈ સ્ષષ્ટ ગાઈડ લાઈન કે વર્ક ફોર્સ અને મશીનરી પણ પ્રોવાઈડ કરાઈ નથી.

આ બધા માટે જે પ્રાઈવેટ એજન્સીઓ  જવાબદાર છે એમની પાસેથી કોઈ નાણાની રીકવરી અથવા કોઈ દંડના ઉઘરાવી,  ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ કેમ બચાવી રહ્યા છે? હજુ સુધી આવી એજન્સી સામે કોઈ કાર્યવાહી ન થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જેમાં મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની મીલીભગત ના કારણે જ આ કંપનીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ રહી. એવી તો કઈ મજબુરી છે જે સરકારને રોકી રહી છે આવી પ્રાઈવેટ એજન્સીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં?  વર્ષ 2018 માં આ અંગે હોબાળો થતા નીતીન પટેલ,કૌશીક પટેલ,ભુપેન્દ્રસીંહ ચુડાસમાં, ની એક કમીટી યોજાઈ હતી જેમાં આ ગેરરીતીની તપાસ કરી જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી ની સાત્વંના આપવામાં આવી હતી પરંતુ કમીટી રચાયા ના 2 વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી કોઈ નક્કર પગલા ઉઠાવવામાં નથી આવ્યા.

મહેસાણા જીલ્લા કલેક્ટર ઓફિસ દ્વારા યોજાયેલ રીસર્વેની કામગીરીની સમીક્ષા બેઠકમાં કોઈ નવી વાત બહાર નથી આવી. આ બેઠકમાં સેટલમેન્ટ કમીશ્નરના તારીખ 21/03/2020 અને મહેસુલ વિભાગનો તારીખ 20/07/2020 ના પત્રના મુદ્દાઓનુ જ પુનરાવર્તન કરવામાં આવ્યુ હતુ. જે બન્ને પત્રોમાં ક્યાંય પણ એજન્સીનો ઉલ્લેખ જ નથી. જનતાના કરોડો રૂપીયાના ખર્ચે આ પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો પંરતુ પ્રાઈવેટ એજન્સઓની ઝડપી પૈસા કમાઈ જવાની લાલચના કારણે તેઓએ આડેધડ ખેતરોના માપ અને નક્શા બેસાડી જેમ તેમ કામગીરી પુરી કરવાના ચક્કરમાં ખેડુતોની મુશ્કેલી વધારી દિધી છે અને જનતાના ટેક્સના કરોડો રૂપીયા પણ ચાંઉ કરી કૌભાંડ આચર્યુ હોય એવુ સ્પષ્ટ માલુમ થઈ રહ્યુ છે.

ચીત્ર સ્પષ્ટ હોવા છતા પણ  જવાબદારો વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ રહી જે દર્શાવે છે કે આ કૌભાંડના તાર ગાંધીનગરના બ્લોક નંબર 11 –  સચીવાલય સુધી જોડાયેલા હોઈ શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.