ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકે બે દિવસ પહેલા રૂપિયા 40નો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરિયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢી ટોલ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ કેસમાં બંને આરોપીઓને પકડવા માટે ગોંડલ તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ બાદ પોલીસે GJO3KH-7176 નંબરની લક્ઝુરિયસ ગાડી પર વૉચ ગોઠવી હતી. પોલીસે આ કેસમાં રાજકોટ અમીનમાર્ગ ગુલાબવાટિકા સોસાયટીમાં રહેતા સરકારી કોન્ટ્રાક્ટર રાણા ભીખાભાઈ મારડિયા અને તેના પુત્ર મંથન મારડિયાની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી અને તેમની લાઇસન્સવાળી રિવોલ્વર કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂડી ટોલનાકે વાહન ચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે છાશવારે તકરારો સર્જાતી હોય છે. જેના કારણે અન્ય વાહન ચાલકોને વગર વાંકે ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી પડે છે. થોડા સમય પહેલા જ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને પણ ટોલ કર્મચારીઓ સાથે તકરાર થવા પામી હતી. એવી પણ વાત સામે આવી છે કે ટોલનાકા પર મોટાભાગના કર્મચારીઓ હિન્દીભાષી અને બીજા રાજ્યના હોવાથી ગુજરાતી ભાષા સમજતા નથી. આ કારણે પણ વાહન ચાલકો સાથે ઝઘડા થતા રહે છે.