બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો
ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં ડીસા ધાનેરા રોડ પરથી ગેરકાયદેસર રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પર માલિકોને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતીની તસ્કરી ખૂબ જ વધી ગઈ છે. જે અંગે પાલનપુર ભૂસ્તર વિભાગ પણ એલર્ટ બન્યું છે. તે દરમિયાન ડીસાથી ધાનેરા રોડ પર રોયલ્ટી ભર્યા વગરના ડમ્પર પસાર થતા હોવાની માહિતી મળતા જ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ધાનેરા તરફ જઈ રહેલા શંકાસ્પદ પાંચ ડમ્પરને થોભાવી પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વગર બનાસનદીમાંથી રેતીનું વહન કરી જતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે પાંચ ડમ્પર સહિત કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભૂસ્તર વિભાગની ટીમે આ ડમ્પરોને ડીસા તાલુકા પોલીસને સોપી તેના માલિકો સામે લાખો રૂપિયાના દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતી તસ્કરીની ફરિયાદો વધી જતા ખાન ખનીજ વિભાગ સતર્ક બન્યું છે અને ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.