બનાસની બેને કોંગ્રેસની લાજ રાખી! 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠામાં ગેનીબેનની જીત
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત, 26માંથી 26નું સપનું તોડ્યું,
કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 20 હજારથી વધુની મત સાથે જીત મેળવી લીધી
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 04 – કોંગ્રેસનો ગુજરાતની લોકસભામાં આખરે સંઘર્ષ ઓછો થયો છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસમાંથી મુક્તિ અપાવી છે. બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આ સાથેજ ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું રોળાયું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એકમાત્ર બેઠક પર જીત મળી છે, અને આ જીત ગેનીબેન ઠાકોરે અપાવી છે. ગેનીબેને ભાજપનું હેટ્રિકનું સપનું તોડ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતુ ખોલ્યું. કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 20 હજારથી વધુની મત સાથે જીત મેળવી લીધી છે.
બનાસકાંઠાની જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, બનાસકાંઠાની મતદારો, જનતાનો આભાર માનું છું, જનતાએ અમને જે આર્શીવાદ આપ્યા છે, બનાસકાંઠાના વોટર્સે પોતાનુ કામ પૂરુ કર્યું. હવે પરિણામ બાદ વિધિવત રીતે ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ, પરંતુ જે જીત અપાવી તેને માટે જનતાનો આભાર. સમગ્ર ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, તેમાં બનાસકાંઠાનો પણ સહભાગી બનશે, તેથી તમારા સૌનો આભાર. બનાસકાંઠાની જનતાનો આભાર. બનાસની જનતાએ જે મામેરું મેં માંગ્યુ હતું, તે મામેરુઁ ભર્યું તે બદલ જનતાનો આભાર. અહીંની જનતાએ મને વોટ અને નોટ આપ્યા છે, તેથી હું જીવું અને જાગું ત્યા સુધી બનાસકાંઠાના મતદારોનો ઋણ ઉતારી શકું તેમ નથી. પ્રયત્ન કરીશ કે આ ઋણ ઉતારી શકું.
બનાસકાંઠા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી. રેખાબેન એ શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી પણ છે. જો કે ગેનીબેન પણ સામે મજબૂત મહિલા નેતા હતા. એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે તેમની ઈમેજ છે અને 2017થી વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. આ વખતે આ બેઠક માટે બહુ રસાકસી રહી શકે છે તેવી વાતો થતી હતી. ગેનીબેન ઠાકોર પાસેથી કોંગ્રેસને સારી એવી અપેક્ષાઓ હતી. અને ગેનીબેન ઠાકોર આ અપેક્ષા પર ખરા ઉતર્યાં છે.
આ વખતની ચર્ચિત લોકસભા બેઠકોમાંથી એક બેઠક એટલે બનાસકાંઠા લોકસભા બેઠક. એક સમયે આ સીટ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ 1991થી વાત કરીએ તો અત્યાર સુધીમાં ફક્ત બે વાર કોંગ્રેસ આ સીટ જીતી છે. જ્યારે 6 વખત ભાજપે બાજી મારી છે. વર્ષ 2009થી આ બેઠક સતત ભાજપ જીતતો રહ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાં 7 વિધાનસભા બેઠકો છે જેમાંથી થરાદ, પાલનપુર, ડીસા અને દીયોદર ભાજપના ફાળે છે જ્યારે વાવ અને દાંતા બેઠક કોંગ્રેસે જીતેલી છે. ધાનેરા બેઠક પરથી ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી દેસાઈ અપક્ષ તરીકે ચૂંટાયેલા છે. જો કે તેમણે પાછો ભાજપને જ ટેકો જાહેર કરેલો છે.
કોનું વધુ પ્રભુત્વ – બેઠકના મતદારો વિશે વાત કરીએ તો આ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારોનું વર્ચસ્વ છે જેમની સંખ્યા અંદાજે 3.43 લાખ છે. જ્યારે 2.71 જેટલા ચૌધરી મતદારો છે. દોઢ લાખ જેટલા આદિવાસી મતદારો છે, અને એટલા લગભગ દલિત મતદારો છે. સવા લાભ જેટલા ક્ષત્રિય મતદારો છે. બનાસકાંઠામાં કુલ મતદારોની સંખ્યા 6,46,231 છે.
ગત ચૂંટણીનું પરિણામ – 2019ની લોકસભા બેઠકના પરિણામ વિશે વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ભાજપના પરબતભાઈ પટેલે જીતી હતી. આ લોકસભા બેઠક હેઠળ વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર વિધાનસભા બેઠકો આવે છે.