હિંમતનગર જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પીટલમાં માનસિક રોગના વોર્ડમાં સારવાર અર્થે દાખલ થયેલ તલોદના સલાટપુર ગામના 30 વર્ષીય યુવકે બુધવારે બપોરે પાંચમા માળે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવાના પેસેજ પરથી મોતથી છલાંગ લગાવતા સીવીલ કેમ્પ્સમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

તલોદ તાલુકાના સલાટપુર ગામનો 30 વર્ષીય યુવક ગૌતમભાઇ ઇશ્વરભાઇ વણકર તા.17/06/19ના રોજ માનસિક રોગની સારવાર અર્થે હિંમતનગર જીએમઇઆરએસ સિવિલમાં દાખલ થયેલ અને પાંચમા માળે માનસિક રોગના વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. 19 જૂનના રોજ બપોરે પોણા બે વાગ્યાથી બે વાગ્યા દરમિયાન ગૌત્તમભાઇ ચા પીવા જવાનુ કહી બહાર નીકળ્યા હતા અને થોડીવાર બાદ કોઇકના નીચે પટકાવાનો જોરદાર અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા હતા ત્યારે ખબર પડી હતી કે યુવકે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવાના પેસેજમાંથી મોતની છલાંગ લગાવી હતી. યુવકના નીચે પટકાવાની સાથે મોત થયુ હતુ.આ અંગે સીવીલ સૂપ્રીટેન્ડન્ટ ર્ડા.જયંત ઉપેરીયાએ જણાવ્યુ હતુ કે મૃતક યુવાન અગાઉ છએક વખત માનસિક રોગની સારવાર સીવીલમાં લઇ ચૂક્યો હતો અને તા.17/06/19 ના રોજ સાતમી વખત એડમીટ થયો હતો બપોરે પોણા બે થી બે વાગ્યા દરમિયાન ચા પીવાનુ મન થતા તેણે તેની સાથે રોકાયેલ માતાને પણ ચા પીવા સાથે આવવા કહ્યુ હતુ પરંતુ માતા તેની સાથે ગયેલ ન હતા અને આ ઘટના બની હતી.