દિલ્હી એરપોર્ટ પર તમારુ પાર્સલ આવ્યું છે, જેમાં ગેરકાયદેસર સામાન છે’ કહી કસ્ટમ ઓફિસરની ખોટી ઓળખ આપી 26 લાખ ખંખેરી લીધા
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – વિસનગર શહેરમાં પોતાના પિતા સાથે રહેતા 45 વર્ષીય વૈજ્ઞાનિક એવા ગુપ્તા લીના સાથે 26 લાખની ઓનલાઈન મારફતે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આધાર કાર્ડ પર કેટલોક ગેરકાયદેસર સામાન દિલ્હી એરપોર્ટ પર પકડાયો હોવાનું અને પોતે સીબીઆઈના અધિકારી હોવાની ખોટી ઓણખ જણાવી ફરિયાદીને પોતાના આઈડી કાર્ડ અને કોર્ટનું વોરેન્ટ મોકલી ધમકાવ્યાં હતા. બાદમાં ફરિયાદીને પ્રોસેસ કરવી પડશે એમ કહી ગઠિયાઓએ પોતાના બેન્ક ખાતામાં ફરિયાદી પાસેથી 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે ભોગ બનનારે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.
4 ઓગસ્ટના રોજ ફરિયાદીના વોટ્સએપ પર એક નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં જણાવ્યું કે, હું દિલહી ઍરપોર્ટ પરથી કસ્ટમ ઓફિસર સુધીર મિશ્રા બોલું છું. તેમજ કહ્યું કે, તમારા આધાર કાર્ડના ઉપયોગથી મલેશિયા માટે એક પાર્સલ બુક કરવામાં આવ્યું છે. આ પાર્સલમાં ગેરકાયદેસર સામાન મળી આવ્યો છે, જેમાં 16 પાસપોર્ટ, 54 સિમ અને ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. આમ કહી આરોપીએ ફોન પોતાના અન્ય સાગરીત કે જેને પોતાની ઓળખ ઈન્સ્પેકટર સુનિલ તરીકે આપી હતી તેણે ફરિયાદીને વાત કરી જણાવ્યું કે, તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર સમાન મળી આવ્યો છે. આ સામાન તમારો ના હોઈ તો રિજેક્ટ કરતા પહેલા મારે તમારા આઇડીથી અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુ થઈ છે કે નહીં એ તપાસ કરવી પડશે.
ગઠિયાએ ફરિયાદીને જણાવ્યું કે, તમારા આઇડીથી મની લોન્ડરિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગેરકાયદેસર કામો કરવામાં આવ્યા છે. ઠગબાજોએ ફરિયાદીને વોટ્સએપ પર કોર્ટના સિક્કાવાળુ વોરેન્ટ મોકલી આપ્યું હતું. તેમજ સી.બી.આઈ ઇન્કવાયરીના બીજા ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. દિલ્હી સીબીઆઈમાં તમારા વિરુદ્ધ ઇન્કવાયરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. બાદમાં અન્ય એક ઠગ પોતાની ઓળખ સી.બી.આઈ ચીફ અનિલ યાદવ તરીકે ઓળખ આપી ફરિયાદીના આધાર કાર્ડ જણાવ્યું હતું અને આધાર કાર્ડ મારફતે કોલકતામાં HDFC બેંકમાં ખાતું ખોલ્યું હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. આ ખાતામાં 7 કરોડ રૂપિયા આવ્યા હોવાનું અને આ રૂપિયા 16 પરિવારને ધમકીઓ આપી લીધા હોવાનું ઠગોએ જણાવ્યું હતું.
બાદમાં અન્ય એક નંબર પરથી ઠગે પોતાનું સી.બી.આઈ અધિકારી હોવાનું કાર્ડ ફરિયાદીને મોકલી આપ્યું હતું. પોતે પોલીસ હોવાનું કહી ફરિયાદીને વીડિયો કોલમાં યુનિફોર્મ પણ બતાવ્યો હતો. બાદમાં ઠગો એ પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદીને કહ્યું કે, અમે એક બેન્ક મેનેજરને પકડ્યો છે જેની પાસેથી અમને 180 બેન્ક ખાતા મળ્યા છે. એક ખાતું તમારું છે. બાદમાં ઠગો એ ફરિયાદીને કહ્યું કે, તમે નિર્દોષ છો કે નહીં એના માટે તમારા બેન્ક ખાતાઓમાં ફંડ લીંગલાઈઝેશનની પ્રોસેસ કરવી પડશે. ફરિયાદીને કોર્ટનું વોરેન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ મોકલી આપતા ફરિયાદી ગભરાઈ જઇ પ્રોસેસ કરવા તૈયાર થયા હતા.
ઠગોએ ફરિયાદીને RBIના સહી સિક્કા વાળા લેટર મોકલી આપ્યા હતા. જેમાં યસ બેન્ક અને RBL બેન્ક લિમિટેડના ખાતા નંબર મોકલી આપી બંને ખાતામાં ફંડ લીંગલાઈઝેશન કરવા માટે RBI દ્વારા ઓર્થોરાઈટ આવ્યા છે. પ્રોસેસ કરવા માટે આ ખાતાઓમાં ફરિયાદીને પોતાના ખાતામાંથી ઠગો એ આપેલા ખાતામાં પૈસા જમા કરાવવા જાણ કરી હતી. બાદમાં ફરિયાદીએ કુલ 26 લાખ 4 હજાર 215 રૂપિયા ટુકડે ટુકડે RTGS કરી ઠગો એ આપેલા ખાતાઓમાં નાખ્યા હતા. ઠગોએ ફરિયાદીને વોટ્સએપ મારફતે નોટરી મોકલી એમાં જણાવ્યું કે, તમારા પૈસા સરકારમાં જમા થઈ ગયા છે. કાયદેસરની કાર્યવાહી બાદ રૂપિયા પરત મળી જશે અને આ બાબતે કોઈને જાણ કરવી નહીં એમ પણ કહ્યું હતું. આ સમગ્ર મામલે પોતાના પિતાને વાત કરતા પિતાએ કહ્યું કે, તારી સાથે ઠગાઈ થઈ છે. આ સાંભળી ફરિયાદી ચોકી ગયા હતા. બાદમાં ફરિયાદી મહિલાએ મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં BNS 2023 કલમ 318 (4), 319(2), 336(2), 336(3), 340(4), 51 તેમજ આઈ.ટી.એકટ 66 ડી મુજબ ગુનો નોંધી અજાણ્યા ઠગો સામે ફરિયાદ નોંધાવી છે.