રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત જણાતી નથી. દરરોજ મહિલાઓ પર ગેંગરેપ અને દુષ્કર્મની ઘટનાઓએ માઝા મૂકી છે. ત્યારે સુરતમાં ફરી એકવાર કિશોરી સાથે ગેંગરેપની ઘટના બની છે. થોડા સમય પહેલા સુરતમાં કોર્ટે નરાધમ યુવકને દુષ્કર્મના કેસમાં ફાંસીને સજા ફટકારીને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. તેમ છતાં નરાધમોમાં જાણે હવે કોઈ ડર જ ના હોય તેમ વર્તી રહ્યા છે. સુરતના ડિંડોલીમાં કિશોરી પર ગેંગરેપની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. જેમાં ત્રણ નરાધમોએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું છે.
સુરતની આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે એક યુવાન કિશોરીને ચીખલીથી ભગાડી ગયો હતો. ત્યારબાદ યુવાને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્રો પાસે કિશોરીને જબરજસ્તીથી મોકલી તેનો ગેંગરેપ થયો છે. ડિંડોલી પોલીસે ત્રણેય નરાધમોની અટકાયત કરી લીધી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈને તેની માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડી તેના મિત્ર સાથે સુરત આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યા પર રહેતાં હતાં. જોકે દાનત બગડતાં તેના મિત્ર એ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પછી અવારનવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવતો હતો. ત્યારબાદ કિશોરીના ઘરે અવારનવાર રહેતા બન્ને મિત્રોની નજર બગડી હતી, પછી 15 વર્ષીય કિશોરીને એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જબરદસ્તીથી તેના મિત્રોએ શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેનો વિરોધ કરતાં તેની સાથે મારઝૂડ કરાઈ હતી અને અંતે કિશોરીએ ઘર છોડી દીધું હતું.
દુષ્કર્મ બાદ કિશોરી રખડતી હાલતમાં ફર્નિચરની દુકાન ધરાવતા એક વ્યક્તિને મળી હતી. જેમણે સહારો આપ્યો હતો અને પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જોકે આ બાબતની જાણ કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર મિત્રને થઈ ગઈ હતી. જેથી તે ઘરે કિશોરીને મળવા આવતાં તમામ હકીકત બહાર આવી હતી. અંતે કિશોરીએ હિંમત કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીજી બાજુ ત્રણેય નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ત્રણેયને ડિટેઇન કરાયા હતા.
ચીખલીથી ભાગીને યુવક સાથે સુરત આવેલી કિશોરી પર બંધ મકાનમાં ગેંગરેપની ઘટના સામે આવતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. કિશોરીએ ધોરણ-9 સુધીનો અભ્યાસ કર્યો છે. માતાએ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે કિશોરીની મેડિકલ તપાસ બાકી છે.