ગરવી તાકાત ગાંધીનગર : ગાંધીનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કુડાસણ, વાવોલ અને પેથાપુરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુરની ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ લઈને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. એવામાં એપ્રિલ મહિનામાં કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 80થી વધુ ઝાડા ઉલ્ટીના કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે કુડાસણ, વાવોલ અને પેથાપુરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા કુડાસણ, વાવોલ અને પેથાપુરમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિના દરમ્યાન ઝાડા ઉલ્ટીના છૂટાછવાયા કેસો સામે આવતાં આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અને સઘન સર્વેલન્સ હાથ ધરી પાણીના નમૂના લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
એમાંય પેથાપુરની રાધિકા ફ્લેટ પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે. આરોગ્ય તંત્ર દ્વારા વાઘેશ્વરી, સુખડેશ્વર સોસાયટી અને નંદ બંગલો વસાહતમાંથી પાણીના સેમ્પલ લઈને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત અત્રેના વિસ્તારમાં ઓઆરએસ તેમજ જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજી ગરમી વધવાની આગાહી કરાઈ છે, ત્યારે બપોરના સમયે જરૂર જણાય તો જ બહાર નીકળવા તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.