શહેરમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી રહી છે. મૃતકોને હોસ્પિટલથી સ્મશાન સુધી લઈ જવાની કામગીરી એક્તા ટ્રસ્ટે નિભાવી રહ્યું છે. જ્યારે સ્મશાનભૂમિમાં દર્દીને અગ્નિદાહ આપવાની કામગીરી મૃતકના પરિવારના સભ્યોના બદલે સ્મશાનના કર્મચારીઓ જ નિભાવી રહ્યા છે. સ્મશાનભૂમિના આ અનોખા કોરોના વોરિયર્સ પોતાની જવાબદારી મૃતકોના સગા કરતાં પણ સારી રીતે નિભાવી રહ્યા છે. આ સાથે સ્મશાનના કર્મચારીઓ PPE કીટ પહેરી પોતાનું રક્ષણ પણ કરી રહ્યા છે.સુરતના જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કામ કરતાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં કોરોનાના મૃતકની બોડી અંતિમ સંસ્કાર માટે આવતી ત્યારે અન્ય લોકોની જેમ અમને પણ ઘણો જ ડર લાગતો હતો. પરંતુ સ્મશાનમાં અંતિમવિધિ માટે આવનારની વિધિ સન્માનપૂર્વક કરવાની અમારી ફરજ છે. આવા કપરા સમયમાં મૃતકના સગાઓ જવાબદારી નિભાવી શકતા ન હોય અમે તે જવાબદારી નિભાવી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં 52 મૃતદોહના અગ્નિ સંસ્કાર કર્યા છે. જ્યારે અંતિમ સંસ્કાર કરીએ છીએ ત્યારે કોઈ અજાણ્યાની નહીં પરંતુ સ્વજન હોય તેવા ભાવથી જ તેમની વિધિ કરીએ છીએ. જે રીતે હિન્દુ ધર્મમાં અગ્નિદાહ માટે વિધિ કરવાની હોય તેમ વિધિ કરીને પછી જ અગ્નિદાહ આપવામાં આવે છે. સ્મશાનના ટ્રસ્ટી કમલેશ સેલરે જણાવ્યું હતું કે, શરૂઆતના સમયમાં તો મૃતકના સગાંઓ નહીં પરંતુ એકતા ટ્રસ્ટના સભ્યો જ મૃતદેહને લઈને આવતા હતા. હાલ કેટલાક સગાઓ પણ આવે છે પરંતુ તેઓ દુરથી જ દર્શન કરે છે. અમારા કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ છે અને તેમની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યાં છે. જહાંગીરપુરા સ્મશાનભૂમિના કર્મચારી ધર્મેશે જણાવ્યું હતું કે, જે રીતે હોસ્પિટલમાં ચેપ ન લાગે તે માટે PPE કીટ પહેરીને કોવિડના દર્દીની સારવાર કરવામાં આવે છે તેવી જ રીતે પીપીઈ કીટ પહેરીને અંતિમ વિધિ પણ કરવામાં આવે છે. કોવિડના દર્દીનું મૃત્યુ પછી પણ ચેપ લાગવાની શક્યતા પુરેપુરી હોય છે. જેના કારણે તમામ કર્મચારી PPE કીટ પહેરીએ છીએ. જ્યારે અંતિમ સંસ્કારમાં કોઈ પ્રકારની ખામી ન રહી જાય તે માટે અંતિમવિધિનું વીડિયો શુટીંગ પણ કરી રહ્યાં છીએ. કોવિડની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવા સાથે અમે પહેરેલી PPE કીટ પણ ડિસ્પોઝલ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત સ્મશાનમાં રાખેલી ગેસની ચિતામાં કોઈ ફોલ્ટ આવે તો કલાકોમાં જ તેને રીપેર કરી દેવામાં આવે છે.