ડોક્ટરોની આજથી સામૂહિક હડતાળ ઈમરજન્સી સેવામાં પણ નહી જોડાય

શેર કરવા અહીં ક્લિક કરો.

— ડોક્ટરોની હડતાળ પાછી ખેંચાવવા સરકારના મરણીયા પ્રયાસો પરંતુ ડોક્ટરો પડતર માંગણીઓ મુદ્દે મક્કમ

સાતમા પગાર પંચમાં ઉચ્ચત પગાર ધોરણ સહિતની પડતર માંગણીઓને લઈને સરકાર તરફથી લેખિત બાંયધરી-ડ્રાફટ હજુ સુધી ન મળતા અંતે ડોક્ટરો આવતીકાલે ૨૦મીથી હડતાળ પર જશે. જેમાં રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકો તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના અધ્યાપકો તથા ઈન સર્વિસ ડોક્ટરો જોડાશે. ડોક્ટરોએ ઈમરન્સી સેવા પણ બંધ રાખવાની ચીમકી આપી છે.

સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકોનું મંડળ તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના અધ્યાપકોનું મંડળ અને ઈન સર્વિસ ડોક્ટરોનું મંડળ  સહિત ચારેય ગુ્રપના મંડળોએ એક થઈને સરકાર સામે લડવા માટે ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમની રચના કર્યા બાદ આ ડોક્ટર ફોરમે અગાઉ સરકારને હડતાળ પર જવાની ચીમકી આપ્યા બાદ બે વાર હડતાળ મોકુફ રાખી હતી.પરંતુ સરકાર તરફથી હજુ સુધી મહત્વની માંગણીઓ સંદર્ભે કોઈ લેખિત ડ્રાફટ ન મળતા હવે ડોક્ટર ફોરમ દ્વારા આવતીકાલે ૨૦મીથી સામુહિક હડતાળની જાહેરાત કરાઈ છે.આજે સરકાર તરફથી ડોક્ટરોને હડતાળ પર ન જવા અને હડતાળ પાછી ખેંચાય તે માટે મરણીયા પ્રયાસો કરવામા આવ્યા હતા પરંતુ ડોકટર ફોરમ મક્કમ રહ્યુ હતુ અને હડતાળ પાછી ખેંચી ન હતી.

તમામ સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરો ઉપરાંત ઈન સર્વિસ ડોક્ટરો અને સીએસસી સેન્ટરના ડોક્ટરો પણ હડતાળમાં જોડાશે.ડોકટરોએ રૃટિન સર્વિસીસ ઉપરાંત ઈમરજન્સી સેવાઓથી પણ અળગા રહેવાની ચીમકી આપી છે.મહત્વનું છે કે ડોક્ટરોની હડતાળની ચીમકીને લઈને સરકાર દ્વારા જીએમઈઆરએસના અધ્યાપકોને ભથ્થાનો લાભ આપવા સહિતની કેટલીક માંગણીઓ બાબતે ઠરાવ કરી દેવાયા છે પરંતુ ડોક્ટરોની ફરિયાદ છે કે ઉચ્ચતર પગાર ધોરણ સહિતની મુખ્ય માંગણી બાબતે અગાઉની સમાધન બેઠકમાં થયેલ ચર્ચા મુજબ કોઈ લેખિત ઠરાવ કરાયો નથી અને સરકાર ડોક્ટરોને ગોળ ગોળ ફેરવે છે. આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ૨૦ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં આવી રહેલી પીક સમયે જ ડોક્ટરોની હડતાળથી સરકાર મોટી મુશ્કેલીમાં મુકાય તેમ છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.