આગામી તા. 31મીને રવિવારે રાજકોટ હીરાસર ગ્રીન ફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સમર શેડયુલ અમલી થનાર છે. નવા સમર શેડયુલમાં ઇન્ડિગો એરલાઇન્સ કંપની ઇન્દોરની હવાઇ સેવા બંધ કરી નવી અમદાવાદની ફલાઇટ શરૂ કરતા સૌ પ્રથમવાર રાજકોટ-અમદાવાદ વચ્ચે ડેઇલી ફલાઇટ શરૂ થનાર છે.
હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના સમર શેડયુલમાં ઇન્ડિગો એરલાઇન્સ અને એરઇન્ડિયાએ મોટા ભાગે શેડયુલ યથાવત રહેશે. ઇન્ડિગો એરલાઇન્સ રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઇ સેવા પુરી પાડશે જેમાં રાજકોટ-અમદાવાદ ડેઇલી બપોરે 3.પ0 કલાકે રાજકોટ લેન્ડ થઇ 4.પ0 કલાક અમદાવાદ ઉતરશે. આ સિવાય અન્ય કોઇ નવા સેકટર શરૂ થનાર નથી. હાલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બંને એરલાઇન્સ કંપનીઓ મુંબઇ, દિલ્હી, ગોવા, પુના, બેંગ્લોરની સેવા પૂરી પાડી રહી છે તેમાં કોઇ નવો ફેરફાર સમર શેડયુલમાં થનાર નથી. સવારની દિલ્હી ફલાઇટ હજુ શરૂ થઇ નથી. એરઇન્ડિયાએ શેડયુલમાં સવારની દિલ્હી ફલાઇટ મુકયા બાદ એક પણ દિવસ આ ફલાઇટ ઉડી નથી.
આગામી ઉનાળુ વેકેશનની રજાઓમાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવાઇ મુસાફરોનો વધુ ધસારો જોવા મળશે. હવાઇ સેવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને દેશ-વિદેશના પર્યટન પ્રવાસન સ્થળોએ જવા-આવવા ઉપયોગી નિવડશે.