અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા નરોડાથી નારોલ અને મણિનગર, ખોખરા, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો જીવરાજપાર્ક, આનંદનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.

સુરત

સુરતમાં ફરી વરસાદનું આગમન થયુ છે. શહેરમાં ઝરમર વરસાદની હેલી જોવા મળી રહી છે. રાત્રિના ૧૨ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી સુરત શહેર અને ઓલપાડ તાલુકામાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંદાયો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો સહિત ગરનાળા અને અંડરપાસમાં પાણી ભરાયા છે. ગરનાળામાંથી પસાર થતા વાહનો બંધ પડી જતા વાહન ચાલકોએ પણ રીતસર હાલાકી વેઠવી પડી. ઉકાઇના કેચમેન્ટ એરિયા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. તાપી નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સુરત અને ઓલપાડ તાલુકામાં છેલ્લા છ કલાકની અંદર જ એક- એક ઇંચજેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

મહેસાણા

મહેસાણામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેથી ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. લાંબા વિરામ બાદ વરસાદના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટથી પણ રાહત મળી છે.

દાહોદ

દાહોદ શહેરમાં દિવસભર વરસાદી માહોલ બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે રસ્તાઓ વરસાદી પાણીથી ઉભરાયા તો ગટરો પણ બેક મારતા રસ્તા પણ ગટરોના પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઘણા સમય બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

છોટા ઉદેપુર

છોટા ઉદેપુરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને બે કલાકમાં ક્વાંટમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.જ્યારે પાવી જેતપુરમાં 1.8 ઈંચ અને છોટાઉદેપુરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ડીસા અને આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. ગરમીથી રાહત મળી છે.

બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અંબાજીમાં આજે વહેલી સવારે ફરી એક વખત વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ ખાબકતા અંબાજીના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે.

Contribute Your Support by Sharing this News: