ગરવીતાકાત  ડીસા: થેરવાડા ગામના રહેવાસી તથા મહેસાણા સેલ્સટેક્સ ઑફિસના સિનિયર ક્લાર્ક પાસેથી બાઇવાડા સબ સ્ટેશન પાસે બાઇક પર આવેલા 4 શખ્સોએ રૂ.15 હજાર રોકડ તથા મોબાઈલ મળી કુલ 20 હજાર મત્તાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા તથા કોલ ડિટેઇલ આધારે 4 શખ્સોને દબોચ્યા હતા.

અજાણ્યા શખ્સોએ બાઈક ઓવરટેક કરી રોક્યા: ડીસા તાલુકાના થેરવાડા ગામના વિષ્ણુકુમાર શંકરજી બારોટ મહેસાણા ખાતે સેલટેક્સ ઓફિસમાં સિનિયર કારકુન તરીકે નોકરી કરી રહ્યા છે. જેઓ ડીસા-મહેસાણા બસમાં અપડાઉન કરે છે. ગત 21 મે-2019 ના રોજ તેઓ બાઈક લઈ ડીસાથી થેરવાડા જવા નીકળ્યા હતા. ત્યારે કંસારી ટોલનાકુ પસાર કરી બાઇવાડા વિદ્યુત સબ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. તેમની પાછળ બીજા બાઇક પર 4 અજાણ્યા શખ્સો આવી તેમના બાઈકને ઓવરટેક કરી ઉભા રાખી તેઓ ક્યાં જાય છે સહિતના સવાલો કરી તેમને મોટરસાઇકલ પરથી ઉતારી ધક્કો મારી પાડી દીધા હતા.

લૂંટ ચલાવી હતી: બાદમાં તેમના પાસે રહેલા રૂ.15 હજાર રોકડા એક મોબાઈલ તથા અગત્યના ડોક્યુમેન્ટ મળી કુલ રૂ.20 હજારની લૂંટ મચાવી નાસી છૂટ્યા હતા. જોકે આ અંગે તેમને ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસની ટીમે સીસીટીવી કેમેરા તથા મોબાઈલ કોલ ડિટેલના આધારે તપાસ કરી હતી.
ડીસા પોલીસે ચારેયને ઝડપ્યા: આ ગુનાના આરોપી વિક્રમસિંહ અજમલસિંહ વાઘેલા (ઠાકોર), ગણપતસિંગ લક્ષ્મણસિંગ વાઘેલા (ઠાકોર), પ્રવિણસિંગ પ્રધાનસિંગ વાઘેલા (ઠાકોર) અને મહેન્દ્રસિંગ ભમરસિંગ વાઘેલા (ઠાકોર)(તમામ રહે.ભડથ,તા.ડીસા) ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકા પોલીસે આ ગુનામા વપરાયેલ બાઇક સહિત તમામ મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: