ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ભયાનક અકસ્માત, ચાર લાશ બહાર કઢાઈ
ધોરાજીના પટેલ પરિવારની કાર ભાદર નદીમાં ખાબકી: ચારના મોત
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – ધોરાજીમાં આજે સવારના ટાયર ફાટતા કાર ભાદર નદીમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યકિતઓના ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજેલ છે. જેના પગલે કરૂણાંતિકા સર્જાઈ જવા પામેલ છે અકસ્માતની આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, પાલિકાનો ફાયરબ્રિગેડ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી જવા પામેલ હતો. આ બનાવ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ કરૂણાંતિકામાં ધોરાજીના દંપતી અને તેની પુત્રી સહિત ચાર વ્યકિતઓ હતભાગી થતા આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામેલ છે. ધોરાજીનો આ પરિવાર માંડાસણ ગામે આયોજિત સોમયજ્ઞમાં ભાગ લઈ પરત ફરી રહ્યો હતો. આ દરમ્યાન ધોરાજીમાં ભાદર નદીના પુલ પર આઈ-20 કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માતની આ ઘટના ઘટી હતી. આ બનાવ અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીમાં આજે સવારના રોયલ સ્કૂલ પાસે પટેલ પરિવારની આઈ-20 કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ભાદર નદીમાં ખાબકી હતી.
જેમાં સંગીતાબેન પ્રવીણભાઈ કોયાણી (ઉ.વ.55) (રહે. ખરાવાડ પ્લોટ, ધોરાજી), લીલાવંતીબેન દિનેશભાઈ ઠુંમર (ઉ.વ.52) (રહે. શ્રીનાથજી સોસાયટી, ધોરાજી) દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર (ઉ.વ.55) અને હાર્દીકાબેન દિનેશભાઈ ઠુંમર (ઉ.વ.20)ના ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજેલ હતા. આ કરૂણાંતિકામાં ધોરાજીના એક જ પરિવારના ચાર વ્યકિતઓના મોત નિપજતા ઠુંમર પરિવારમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે. આ અકસ્માતમાં મરનાર હાર્દિકાબેન ઠુંમર (ઉ.20)ની થોડા સમય પૂર્વે જ સગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. જયારે મરનાર દંપતીના પુત્ર વડોદરા ખાતે અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.