— પાલનપુરમાં 100ના દરની 457 નકલી નોટો વટાવવા આવેલ ઉત્તરપ્રદેશના 4 શખ્સોને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે
— ઉત્તર પ્રદેશના મેરઠના 4 શખ્સો પાલનપુરના નકલી નોટો વટાવવા આવ્યાની બાતમી પોલીસને મળતાં પોલીસે તેમની અટકાયત કરી
ગરવી તાકાત બનાસકાંઠા: પાલનપુર શહેર પૂર્વ પોલીસે ઉત્તર પ્રદેશના મેરઠથી નકલી નોટો પાલનપુર વટાવવા આવેલા ચાર શખ્સોને શહેરની ક્ષુધાશાંતી લોજના રૂમમાંથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ.100 દરની 457 નકલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના મેરઠથી કેટલાક શખ્સો પાલનપુરમાં નકલી નોટો વટાવવા આવ્યા હોવાની પાલનપુર પૂર્વ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. જેને લઇ પૂર્વ પોલીસ દ્વારા આ શખ્સોને પકડવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે પોલીસે બાતમીના આધારે પાલનપુરના રેલવેસ્ટેશન વિસ્તારમાં આવેલ ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી ચાર શખ્સોને રૂ.100ના દરની 457 નકલી નોટો સાથે ઝડપી લીધા હતા. આ શખ્સો શહેરની નાની-નાની દુકાનોમાં જઇ રૂ.10 ની વસ્તુ લઇ તેની સામે રૂ.90 પરત લઇ લેતા હતા. આ રીતે આ શખ્સો પાલનપુરમાં નકલી નોટો વટાવતા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસે રૂ. 100 ના દરની નકલી નોટો હતી. જેમાં ચાર જ સીરીઝની આ નકલી નોટો હતી. આમ એક જ સીરીઝની વધારે પડતી નોટો હોવાથી તે નોટ નકલી હોવાનો પોલીસને ખ્યાલ આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી 45700 રૂપિયાની 100 રૂપિયાના દરની 457 નકલી નોટો, ચાર મોબાઇલ (કિંમત રૂ. 6000) તેમજ રોકડ રૂપિયા 3750 મળી કુલ રૂ. 9750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આ શખ્સો કેવી રીતે નકલી નોટો બનાવતાં, અત્યાર સુધીમાં પાલનપુર સહિત અન્ય વિસ્તારમાં કેટલા રૂપિયાની નકલી નોટો વાપરી તે સિવાય તેમની ગેંગમાં અન્ય કેટલાક લોકો સામેલ છે તે સહિતની વધુ તપાસ પોલીસ કરી રહી છે તેવું એએસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું.