પ્રતીકાત્મક તસ્વીર

પશુપાલકોના નાણાં બારોબાર મંત્રીએ અંગત વાપરી નાખતા ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવી

વડગામ તાલુકાના સહકારી આલમમાં ઉચાપતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇકબાલગઢ ગામમાં આવેલી દૂધ મંડળીના તત્કાલીન મંત્રીએ ૩૪ લાખથી વધુ રકમની ઉચાપત કરી હોવાની વડગામ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. બે વર્ષના હિસાબોનુ ઓડિટ થયા બાદ સિલક મંડળીના બેંક ખાતામાં જમા કરાવવાને બદલે મંત્રીએ અંગત કામમાં વાપરી હોવાનું જણાવ્યું છે. આથી તપાસ દરમ્યાન સમગ્ર બાબતો સામે આવ્યા બાદ જિલ્લા રજીસ્ટારની કચેરી દ્વારા વહીવટ સુચના મળતાં ફરિયાદ દાખલ થઈ છે. ખુદ મંડળીના ચેરમેને તત્કાલીન મંત્રી વિરુદ્ધ વડગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતાં તપાસ શરૂ થઈ છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ઈકબાલગઢ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન મંત્રી તરીકે લવજીભાઇ કરશનભાઈ ચૌધરી હતા. મંડળીના હિસાબોનુ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ નું વાર્ષિક ઓડિટ થયા બાદ ચોખ્ખી સિલક ૩૪,૮૧,૬૪૯ હોવાનું સામે આવ્યું હતું. આ દરમ્યાન મંત્રી લવજીભાઇ ચૌધરીએ હિસાબોમા ગોટાળો કર્યો હોવાનું સભાસદોને ધ્યાને આવતાં ચેરમેને તમામ કામગીરીનો હવાલો મેળવી લીધો હતો. આ પછી સિલકની રકમ મંડળીના ખાતામાં જોવા નહિ મળતાં દોડધામ મચી ગઇ હતી. જેની તપાસ કરતાં ૧-૧૦-૨૦૨૦ ના રોજમેળમા મંત્રી લવજીભાઇ ચૌધરીએ પોતાના ખાતે સિલકની રકમ ઉધારી હોવાનું જાણવામાં આવ્યું હતું. આથી ચેરમેન ગીરીશભાઇ રાવલ સહિતના સભાસદોએ ઠરાવ કરી મંત્રી લવજીભાઇ ચૌધરીને હોદ્દા પરથી દૂર કર્યા હતા. જોકે દૂધ મંડળીની સિલક નહિ મળતાં જિલ્લા રજીસ્ટારની કચેરીએ જાણ કરતાં સહકારી કાયદાની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધાવી છે. ચેરમેન ગીરીશભાઇ રાવલે ઈકબાલગઢ દૂધ મંડળીના તત્કાલીન મંત્રી લવજીભાઇ ચૌધરી વિરુદ્ધ કાયમી ઉચાપતની ફરિયાદ આપતાં વડગામ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: