પાર્ટી જે પણ કામ આપશે તે કામ કરવા તૈયાર છું – વિપુલ ચૌધરી
જો એ.કે.પટેલ 85 વર્ષની ઉમરે ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી શકતાં હોય તો હું કેમ નહી – દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાવાની તૈયારીઓ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાનો દોર વચ્ચે ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યોં છે. આ સંજોગોમાં મહેસાણા દૂધસાગર પૂર્વ ડેરીના ચેરમેન અને ગુજરાતના પૂર્વગૃહપ્રધાન રહી ચૂકેલા વિપુલ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના સંકેત આપી દીધા છે. વિપુલ ચૌધરી પણ હવે આગામી ટૂંક સમયમાં ભાજપનો ખેંસરિયો ધારણ કરવાની તૈયારી કરી ચૂક્યાં છે.
જેમાં પત્રકારોને સંબોધતાં વિપુલ ચૌધરીએ નિવદેન આપ્યું હતું કે ભાજપમાં એ.કે.પટેલ જો 85 વર્ષની ઉમર હોવા છતાં સક્રિય રહી કામગીરી કરી શકે છે તો હું તો 57 વર્ષનો છું હુ ભાજપમાં કેમ સક્રિય કામગીરી ન કરી શકું. ભારતીય જનતા પાર્ટી મને જે કામ આપશે તે કામ કરવા હું તૈયાર છું. આમ લોકસભાની ચૂંટણી અગાઉ વિપુલ ચૌધરીએ ભાજપમાં જોડાવવાની તૈયારીઓ કરી લીધી છે.
જ્યારે 1984માં લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી માત્ર બે બેઠક પર જીત મેળવી હતી. જેમાં ગુજરાતમાંથી માત્ર એક મહેસાણાની બેઠક પરથી એ.કે.પટેલ વિજેતા બન્યાં હતા. ત્યારે એક સમય એવો હતો કે કોઇ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે તૈયાર થતું નહી પરંતું આજે ભાજપમાં જોડાવવા માટે લોકો સામે ચાલીને આવે છે. ભાજપમાં જોડાવવા લોકોની લાઇનો લાગી રહી છે.