આચારસંહિતા અંતર્ગત સૌથી વધુ દારૂ જપ્તીમાં ગુજરાત ટોપ-10 રાજયોમાં સામેલ
દેશમાં સૌથી વધુ 124.33 કરોડનો 10.3 કરોડ લીટર દારૂ કર્ણાટકમાંથી જપ્ત કરવામાં આવ્યો
ચૂંટણી પંચે સમગ્ર દેશમાંથી વિવિધ તપાસ એજન્સીઓને 395.79 કરોડની રોકડ જપ્ત કરી
ગરવી તાકાત, ગાંધીનર તા. 16 – લોકસભા ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત મતદારોને લોભ-લાલચ આપવાના ઉપયોગમાં લેવાતી ચીજો જપ્ત કરવામાં આવી રહી છે અને તેમાં દારૂનો મોટો હિસ્સો છે. મહત્વની વાત એ છે કે નશાબંધીનો કડક કાયદો ધરાવતા ગુજરાતમાંથી જ મોટી માત્રામાં શરાબ જપ્ત થયો છે. ઉપરાંત દારૂબંધી ધરાવતા બિહારનું નામ પણ આવા ‘ટોપ-11’ રાજયોમાં સામેલ છે. ચૂંટણી પંચનાં રીપોર્ટ પ્રમાણે લોકસભા ચૂંટણી આચારસંહીતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 7,60,162 લીટર દારૂ જપ્ત થયો છે. સૌથી વધુ શરાબ પકડાયો હોય તેવા રાજયોમાં ગુજરાત 11 માં સ્થાને છે.
પકડાયેલા દારૂનું મુલ્ય 21.94 કરોડ થવા જાય છે. પોલીસ, રેલવે તથા આબકારી વિભાગની જુદી જુદી કાર્યવાહીમાં આ શરાબ પકડાયો છે. બિહારમાં રૂા.31.57 કરોડનો 8,45,758 લીટર દારૂ પકડાયો છે.
દેશમાં સૌથી વધુ 124.33 કરોડનો 10.3 કરોડ લીટર દારૂ કર્ણાટકમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા 756 ફલાઈંગ સ્કવોડ રચવામાં આવી છે અને વિવિધ સરકારી એજન્સીઓ મારફત સંકલન સાધીને રોકડ, સોનુ-ચાંદી, દારૂ અને અન્ય ચીજો પર વોચ રાખે છે. મતદારોને લાલચ આપવા માટે વપરાતી ચીજો જપ્ત કરવામાં આવે છે.
ચૂંટણી પંચના કહેવા પ્રમાણે સમગ્ર દેશમાંથી વિવિધ તપાસ એજન્સીઓને 395.79 કરોડની રોકડ જપ્ત કરી છે.3.58 કરોડ લીટર દારૂ પકડાયો હતો. તેની કિંમત 489,21 કરોડ થવા જાય છે. 562.10 કરોડના સોના-ચાંદી તથા 1042.49 કરોડની અન્ય ચીજો જપ્ત કરવામાં આવી છે.