અમદાવાદ તરફના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ત્રણ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે અમદાવાદ એરસ્પેસ 45 મીનીટ બંધ રહેશે
ગરવી તાકાત, અમદાવાદ તા.18 : અમદાવાદમાં આવતીકાલે રમાનારા વન-ડે ક્રિકેટ ફાઈનલનો ક્રેઝ જામ્યો જ છે ત્યારે મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોની તમામ ફલાઈટો હાઉસફુલ છે. અમદાવાદ તરફના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ત્રણ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડકપના ફાઈનલનો ફીવર ચરમસીમાએ છે. તો આ ફાઇનલ ક્રિકેટ મેચને પગલે અમદાવાદ સહિત આસપાસની હોટલો, રિસોર્ટ, પ્લેનના ભાડા, સહિતની તમામ ક્ષેત્રે બમણા ભાડા વસૂલવામાં આવી રહ્યાં છે.
અને સેંકડો-હજારો ક્રિકેટપ્રેમીઓ સ્ટેડીયમમાં બેસીને મેચ નિહાળવા આતુર છે. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાંથી અમદાવાદ કે ગુજરાતની તમામ ફલાઈટો ફુલ થઈ જતા ઈન્ડીગો, વિસ્તારા જેવી એરલાઈન્સોએ એકસ્ટ્રા વિમાનો મુકવાનું જાહેર કર્યુ છે. આમ છતાં દિલ્હી-અમદાવાદના ટીકીટ દર નોર્મલ દિવસોના 5થી7 હજારની સરખામણીએ 25થી30 હજાર રહ્યા છે. મુંબઈ જેવા અન્ય શહેરોમાંથી પણ અમદાવાદની ફલાઈટોમાં ધસારો છે. આજની તથા આવતીકાલ સવારની તમામ ફલાઈટ ફુલ છે. હોટલોના ભાડા પણ આસમાને છે. વિમાની ટિકીટો મળવી મુશ્કેલ હોવાના કારણોસર રેલવે તરફ ધસારો વધ્યો છે અને તેને ધ્યાને રાખીને રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદની ખાત્રિણ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપનો ભારત અને ઓસ્ટ્રેલિયાનો મેચ નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન સહિતના મહાનુભાવોના આગમન સમયે અમદાવાદ વિમાની મથક 45 મીનીટ સુધી બંધ રહેશે. વડાપ્રધાનના વિમાન અને તેમની સાથેના સુરક્ષાના કાફલાના આગમન પુર્વે મોદી એરપોર્ટ છોડીને જાય
ત્યાં સુધી અમદાવાદ એરપોર્ટની એરસ્પેસ પુરી રીતે બંધ રહેશે અને તેની ત્રિજયામાં કોઈ વિમાન આવી શકશે નહી. આ પરીસ્થિતિના કારણે આવતીકાલે અમદાવાદની વિમાની મથકે આવતી જતી અનેક ફલાઈટના સમય રીશેડયુલ કરવામાં આવ્યા છે તથા મુસાફરોને પણ તેની નોંધ લઈને તેમના નવો સમય જાણવા જણાવ્યું છે.
તો બીજી તરફ સુરક્ષાના કારણોસર મુસાફરોના લગેજ વિ.નું ચેકીંગ પણ વધારી દેવાયુ છે. મુસાફરોએ આ માટે એરપોર્ટ પર થોડા વહેલા પહોંચવું પડશે. વડાપ્રધાન કાલે બપોરે 1.25 કલાક થી 2.10 કલાક વચ્ચે અમદાવાદ આવશે અને આ 45 મીનીટ એર સ્પેસ બંધ રહેશે. આ ઉપરાંત ચાર્ટર્ડ ફલાઈટનો પણ ધસારો છે અને પ્લેન પાર્કીંગ વિ.ની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.