હેલ્થ ડેસ્કઃ પાણી કેટલું પીવું જોઈએ તે અલગ-અલગ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. તેમ છતાં તંદુરસ્ત કિડની ધરાવતા પુખ્ત વયના લોકોએ દરરોજ દોઢ લિટર પાણી ચોક્કસ પીવું જોઇએ. પરંતુ પાણી પીવાના પણ પોતાના નિયમો છે. આપણું સારું આરોગ્ય પણ આ નિયમો પર આધારિત છે. તો ચાલો પાણી પીવાના આ 5 મુખ્ય નિયમો વિશે જાણીએ.

નિયમ 1: ઊભા રહીને નહીં, હંમેશાં બેસીને પાણી પીઓ

બે ઘૂંટડા પણ પાણી પીવું હોય તો પણ બેસીને પીઓ. આયુર્વેદમાં પણ ઊભા રહીને પાણી પીવાની ના પાડવામાં આવી છે. જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ તો તેનાથી શરીરમાં લિક્વિડ બેલેન્સ બગડી જાય છે. તેનાથી આપણા સાંધામાં પ્રવાહીનો સંચય થાય છે, જે સંધિવા થવાનું જોખમ વધારી દે છે. જ્યારે આપણે બેસીને પાણી પીએ છીએ તો તેનાથી આપણી નર્વ્સ આરામદાયક રહે છે અને આપણું પાચંનતંત્ર પણ પોષક તત્ત્વોનું બહુ સારી રીતે શોષણ કરી શકે છે. કિડની પણ આ જ રીતે પીધેલાં પાણીને સારી રીતે પ્રોસેસ કરી શકે છે.

નિયમ 2: એકવારમાં નહીં, થોડું-થોડું પાણી પીઓ
જે રીતે એકસાથે બહુ બધું ખાવાને બદલે એટલો જ ખોરાક જો અલગ-અલગ ભાગમાં વહેંચીને ખાવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થાય છે. એ જ વાત પાણી પર પણ લાગુ પડે છે. એક સમયે જ બહુ બધું પાણી પીવાને બદલે એટલું જ પાણી ત્રણથી ચાર કલાકમાં 5થી 6 વાર પીઓ. આમ કરવાથી પાણીમાં રહેલાં પોષક તત્ત્વો સારી રીતે શોષાઈ શકશે અને પેટ ફુલવાની, ગેસ અને હાયપરટેન્શનની સમસ્યા થવાની શક્યતા ઓછી રહેશે.
નિયમ 3: જમ્યા પહેલાં અને પછી એકદમ પાણી ન પીઓ
જમ્યા પછી તેને પચાવનારા એન્ઝાઇમ રિલીઝ થાય છે. એવામાં જો તરત જ પાણી પી લેશો તો તેની અસર ઓછી થઈ જશે અને ખોરાક યોગ્ય રીતે પચશે નહીં. જો આ આદત સતત ચાલુ રહી તો પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી બ્રેકફાસ્ટ હોય કે લંચ-ડિનર જમ્યા પછી ઓછામાં ઓછી 45 મિનિટ સુધી પાણી ન પીવું. એ જ રીતે જમ્યા પહેલાં પણ અગાઉની 30 મિનિટ સુધી પાણી ન પીવું.
નિયમ 4: ઉપરથી પાણી ન પીઓ, ચુસકી લઇને પીઓ
ઘણા લોકોની આદત હોય છે તે બોટલમાંથી આકાશ તરફ મોઢું કરીને પાણી ગટગટાવી જાય છે. તેનાથી પાણી પેટમાં ઝડપથી જાય છે અને તે આપણાં પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, આવી પરિસ્થિતિમાં પાણીની સાથે અમુક અંશે હવા પણ પેટમાં જાય છે. તે પાચનતંત્ર નબળું પાડે છે. તેથી પાણી હંમેશાં ગ્લાસને હોઠ સાથે અડાડી ચુસકી લેતાં પીવું જોઇએ, જે રીતે આપણે ચા-કોઈ પીએ છીએ. બોટલમાંથી પણ પાણી પીવું હોય તો પોતાની પર્સનલ બોટલ રાખો અને તેને મોઢે અડાડીને પીઓ.
નિયમ 5: ઠંડું નહીં, રૂમ ટેમ્પરેચરવાળું પાણી જ પીઓ
હંમેશાં રૂમના તાપમાને રાખેલું પાણી જ પીવું. ફ્રીજમાંથી કાઢેલું ઠંડું પાણી ક્યારેય ન પીવું. એકદમ ઠંડું પાણી તમારું પાચનતંત્ર બગાડી શકે છે અને શરીર દ્વારા પોષક તત્ત્વોને શોષવાની પ્રક્રિયાને અવરોધિત કરી શકે છે. આયુર્વેદમાં હંમેશાં ગરમ ​​પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. હળવું ગરમ પાણી શરીરની ચયાપચય ક્રિયા વધારીને વજનને નિયંત્રિત રાખે છે. આ સાથે બલ્ડ સર્ક્યુલેશન યોગ્ય થવાથી હૃદયને તંદુરસ્ત રાખે છે. ઉનાળામાં તમે માટલાનું કુદરતી ઠંડું પાણી પી શકો છો.