બે દિવસ અગાઉ હમાસના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 31 – બનાસકાંઠા જિલ્લાના છાપીમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પોસ્ટર લગાવનારા ૫ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. છાપીમાં બે દિવસ પહેલા હમાસના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બનાવને પગલે આઇબી વિભાગ પણ સક્રિય થઇ ગયો હતો અને આ ઘટનાને લઇને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા પોસ્ટર લગાવનારા ૫ લોકોની અટકાયત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કેટલાક લોકો દ્વારા હમાસનું સમર્થન કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના છાપીમાં પણ હમાસના સમર્થનમાં ઇઝરાયેલ બોયકોટના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા વિવાદિત પોસ્ટરો લગાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છાપી પોલીસે તાત્કાલિક આ પોસ્ટરોને દૂર કર્યા હતા અને સીસીટીવી કેમેરાની મદદથી પોસ્ટર લગાવનારા લોકોની તપાસ હાથ ધરી હતી અને તેમણે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.