-
પાલનપુરના રહીશે સોનબાગ થી કલેકટર કચેરી સુધી ચાલતા આવી ધરણાંનો પ્રારંભ કર્યો
-
કલેકટર, ચીફ ઓફિસર અને કામ કરનાર એજન્સીને જાણ કરવા છતાં કોઈ જ પગલા ન લેવાયા

પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના સોનબાગ વિસ્તારમાં રહેતા અમૃતભાઈ ચૌહાણ (ગાંધી) છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટરની કામગીરી ગુણવત્તા યુક્ત ન થઈ રહી હોવાની અને તેમાં પાણીની પાઇપલાઇન કરતાં પણ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઓછા ગેજની પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની કલેકટર ચીફ ઓફિસર અને એજન્સીને રજુઆત કરી હતી. તેઓએ જણાવ્યું કે શહેરમાં પીવાના પાણીની પાઈપલાઈન 18 ગેજની છે. જ્યારે એજન્સી ભૂગર્ભ ગટરમાં મહોલ્લામાં ૬ ગેજની અને મેઇન રોડ પર 9 ગેજની પાઇપ લાઇન નાંખી રહી છે. જો પીવાના પાણીની પાઇપ લાઈન કરતા પણ ઓછા ગેજની પાઈપલાઈન ગટરમાં વાપરવામાં આવે તો આ તમામ ગટરો ઉભરાઈ શકે છે અને ભવિષ્યમાં આખું શહેર ગંધાઈ ઉઠે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે. તેઓએ જણાવ્યું કે આ બાબતે તેઓએ નગરપાલિકામાં તેમજ કલેકટર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજુઆતો કરી છે પરંતુ તેમની રજુઆત કોઈએ ધ્યાને ન લેતા આજે તેઓ ભુગર્ભ ગટરની કામગીરી તથા સરકારના 28 કરોડ રૂપિયા વેડફાય નહી તેવું બોર્ડ લગાવી શહેરના જાહેર માર્ગો પર ફરી સોનબાગ વિસ્તારથી કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં ધરણાં પર બેસી ગયાં હતાં. અને જ્યાં સુધી તેમની આ કામગીરી સંદર્ભે યોગ્ય તપાસ નહીં થાય અને યોગ્ય પગલાં નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.