વિસનગરની આદર્શ વિદ્યાલયના નિવૃત્ત પ્રિન્સિપાલ અને બોરીયાવી ગામના વતની રણછોડભાઈ મહાદેવભાઈ ચૌધરીનું ગત ત્રણ તારીખના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમને પરિવારમાં ચાર દિકરીઓ જ હતી પરંતુ દીકરો ના હોવાનો ક્યારેય અફસોસ કર્યો નહોતો. ચારેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી આદર્શ ઘડતર કર્યું. એમના વિચારો હંમેશા સમાજ સુધારણા માટેના હતા. એમની ચારે દીકરીઓને સમાજની ગોળ પ્રથા તોડીને ચાર જુદા જુદા સમાજમાં પરણાવી.ચૌધરી સમાજમાં ક્યારેય નથી થયા એવા ચારે દીકરીઓના આગોતરા મામેરા ભર્યા.દિકરીઓએ પણ પિતાના સંસ્કાર ઉજાગર કરી પિતાનું ઉજમણું કર્યું. પાંચ વર્ષ પહેલાં એમની પત્નીના અંતિમ સંસ્કાર પણ દિકરીઓએ કર્યા હતા.
આજના જમાનામાં દીકરા પણ ના કરે એવું પિતાના મૃત્યુનું કારજ એમની ચાર ચાર દીકરીઓ રીટાબેન,પારુલબેન, મયૂરીબેન, ગીરાબેન કરી બતાવ્યું. ચાર દિકરીઓએ જ્યારે બાપને કાંધ આપી ગમગીન દ્રશ્યો જોઈને ગ્રામજનોની આંખો અશ્રુઓથી ઉભરાઈ ગઈ.વડીલે એમની અંતિમ ઇચ્છાનો પત્ર લખ્યો છે જેમાં પ્રભુને પ્રાર્થના કરી છે કે આવતા ભવમાં પણ મને દીકરો ના આપતા પણ આવી ચાર દીકરીઓ અને આવા ચાર જમાઈ આપજો.ખરેખર દીકરા દીકરી એકસમાન એ વિચારોને સાબિત કરી બતાવ્યા. રૂઢિચુસ્ત સમાજમાં આવી પહેલ માટે એમના કૌટુંબિક ભાઈઓનો સાથ સહકાર ખરેખર સમાજને નવી દિશા પુરી પાડે છે. બેટી વધાવોના સૂત્રને ચૌધરી પરીવારે સાર્થક કરી બતાવ્યું.